તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટ્રાઈસ્ટાર અને કિરણ હોસ્પિટલના નામે ડો. હેતલ કથિરિયાએ જ નકલી પ્રિસ્ક્રિપ્શન લખ્યાનો ખુલાસો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્રજેશ અને હેતલ - Divya Bhaskar
વ્રજેશ અને હેતલ
  • હેતલ નર્સ નહીં ડોક્ટર હોવાનું ડિગ્રીના આધારે ખુલ્યું, દર્દીઓને નકલી ટોસિલિઝુમેબ આપ્યાની શંકા
  • ડો. હેતલ અને વ્રજેશ 3 દિવસના રિમાન્ડ પર, ટોળકીએ રેમડેસિવિર પણ બ્લેકમાં વેચ્યા અંગે પોલીસ તપાસ

ટોસિલિઝુમેબ ઇન્જેકશનની કાળાબજારી કરવા અઠવાગેટની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની મેડિકલ ઓફિસર ડો. હેતલ કથિરિયાએ ટ્રાઈસ્ટાર અને કિરણ હોસ્પિટલના બોગસ પ્રિસ્ક્રિપ્શન બનાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે. જેના આધારે ઉમરા પોલીસે આઈપીસી કલમ 465 (ખોટા દસ્તાવેજ બનાવવા)નો ઉમેરો કર્યો છે. હેતલ કથિરિયા નર્સ નહીં પણ તબીબ હોવાનું તેની B.A.M.Sની ડિગ્રીના આધારે ખુલ્યું છે. પ્રિસ્ક્રિપ્શન વગર ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વ્રજેશ મહેતાને આપનાર મેડિકલ સ્ટોરના સંચાલક મયંકની પણ ધરપકડ થઈ શકે તેમ છે.

વધુમાં પોલીસે કહ્યું કે, ડો.હેતલના પિતા રસિક પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મળ્યું ત્યારે ખિસ્સામાંથી ટ્રાઇસ્ટાર અને કિરણ હોસ્પિટલના દવાના પ્રિસ્કિપ્શન મળ્યા હતા. બંને હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીનું નામ રમેશ અમરશી માંગુકીયા હતું. પોલીસે ટ્રાઇસ્ટારમાં તપાસ કરી તો રમેશ માંગુકીયા નામનો કોઈ દર્દી દાખલ ન હતો. વધુમાં હોસ્પિટલના નામનું પ્રિસ્ક્રિપ્શન પણ ડો.હેતલે જાતે બનાવી સિક્કો મારી સહી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

જયારે કિરણ હોસ્પિટલમાં રમેશ માંગુકીયા નામનો દર્દી દાખલ હોવાની વાત તપાસમાં બહાર આવી છે. પોલીસે ડો.હેતલ અને વ્રજેશ મહેતાને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કોર્ટમાં રજૂ કરેલાં તપાસના કાગળો પરથી સમગ્ર મામલો હવે નકલી ટોસિલિઝુમેબ તરફ ફંટાયો છે. ઇન્જેકશનના ખાલી વાયલ કેમ માંગી લેવાતા એ દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.

2.30 લાખમાં ટોસિલિઝુમેબ આપનાર પકડાયો
​​​​​​​ડો. હેતલ કથિરિયાએ તા.28મીએ ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ દર્દીને રૂ. 2.30 લાખમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અપાવ્યું હતું. જેમાં હેતલે દર્દીના સંબંધીને જેની પાસેથી ઇન્જેક્શન લેવાનું હતું તેનો મોબાઇલ નંબર આપ્યો હતો. ટોસિલિઝુમેબ આપનાર શખ્સનું નામ વિજય છે અને તે રઘુકૂળ માર્કેટની પાછળ પાણીનો પ્લાન્ટ ચલાવે છે. પોલીસે વિજયની પૂછપરછ કરતા રામાણી નામના શખ્સનું નામ બહાર આવ્યું છે.

ઈન્જેક્શન એફએસએલમાં મોકલાશે
​​​​​​​ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કબજે કરી તપાસ માટે FSLમાં મોકલાશે. રિપોર્ટ તાત્કાલિક ધોરણે આપવામાં માટે FSLને લેટર પણ લખવામાં આવશે. > વિધી ચૌધરી, ડીસીપી ઝોન-3-સુરત શહેર

રિમાન્ડના મુદ્દા: ખાલી વાયલ કેમ માંગતા?

  • ડો. હેતલની પુછપરછ દરમિયાન તેણે મિતેશને ઇન્જેક્શન વિજય પાસેથી અપાવ્યા હતા, આવા કેટલાં ઇન્જેકશન વિજયે આપ્યા તેની તપાસ કરવાની છે.
  • બોગસ પ્રિસ્ક્રિપ્શનના આધારે કેટલાં ઇન્જેક્શન લેવાયા, કોને અપાયા, કેટલામાં અપાયા તેની તપાસ બાકી છે.
  • વ્રજેશ અને હેતલ ખાલી વાયલ દર્દીના સગા પાસે કેમ પરત માંગતા હતા તેની તપાસ કરવાની છે.
  • વ્રજેશે વાયલ હેતલ હસ્તક આરોપી રસીકને આપ્યા છે આ વાયલ વ્રજેશ ક્યાંથી લાવ્યો એ તપાસ કરવાની છે.
  • જીઓમેક્સમાં કામ કરતા વ્રજેશે કેટલાં ઇન્જેક્શન અપાવ્યા તેની તપાસ કરવાની છે.
  • સાહેદ રાહુલના પિતા માટે વ્રજેશ પાસે ઇન્જેક્શન લીધા હતા, ખાલી વાયલ પરત લઇ લેવાયા હતા, તો આવુ કેમ કર્યું તેનો જવાબ વ્રજેશ આપતો નથી.
  • આરોપીઓએ ટોસિલિઝુમેબની સાથે રેમડેસિવિર પણ બ્લેકમાં વેચ્યા હોવાની દિશામાં તપાસ કરવાની છે.
અન્ય સમાચારો પણ છે...