અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજ સાથે ચેડા કરીને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કારસો રચનાર ટોળકીની નજર હજીરા વિસ્તારમાં આવેલી એક મોટી જમીન પર પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતમાં આવેલી પારસીઓની કરોડોની કિંમતની જમીનના દસ્તાવેજમાં ચેડા કરનાર ટોળકી સામે અઠવા પોલીસ મથકમાં પાંચ દસ્તાવેજ સાથે છેડછાડ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ ટોળકીઓ દ્વારા અન્ય જમીનનોમાં પણ ખેલ કર્યો હોવાની વિગતો બહાર આવી રહી છે.
સિંગણપોર, વેસુ અને ડુમસની જમીનના દસ્તાવેજોના આખે આખા પાના ગાયબ કરીને તેના સ્થાને નવા પાના જોડીના માલિકી જ બદલી નાખવામાં આવી છે. ત્યારે આ ભેજાબાજોએ હજીરાની એક મોટી જમીન પચાવી પાડવા માટે પણ ખેલ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસ દ્વારા નિવેદનો લેવાની શરૂઆત કરી ભેજાબાજો સુધી પહોંચવાની કવાયત શરૂ કરી દીધી છે.
ત્યારે પોલીસ તપાસમાં વધુ કેટલીક જમીનમાં પણ ખેલ કરવામાં આવ્યા હોવાનું બહાર આવવાની શક્યતા રહેલી છે. આ ઘટનાને પગલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. અધિકારીઓ પણ દોડતા થયા છે. આટલુ મોટુ કૌભાંડ અધિકારી કે કર્મચારીની મીલિભગત વિના શક્ય નથી એવુ ચર્ચાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.