એસિડ એટેકની ધમકી:'મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ', સુરતમાં મહિલાનો પીછો કરી રિક્ષાચાલકની ધમકી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મહિલાની દુકાન પાસેથી પસાર થતા સમયે પણ ગંદા ઈશારા કરતો
  • રીક્ષા ચાલકે પીછો કરી મહિલાને પૂછ્યું- તું આટલો ભાવ કેમ ખાય છે?

સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી અને દવાની દુકાન સંભાળતી મહિલાનો ચાર મહિનાથી પીછો કરી રિક્ષાચાલકે ધમકી આપી હતી કે તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ. મહિલાની દુકાન પાસેથી પસાર થતા સમયે પણ ગંદા ઈશારા કરતા રિક્ષાચાલકે પીછો કરી પૂછ્યું કે, તું આટલો ભાવ કેમ ખાય છે? જેથી આખરે મહિલાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

છેલ્લા ચાર મહિનાથી રિક્ષાચાલક પીછો કરતો હતો
સુરતના લાલગેટ ખાતે રહેતા પ્રિયાબેન (નામ બદલ્યું છે ) પતિ સાથે ઘરની નીચે જ આવેલી દવાની દુકાન સંભાળે છે. એકની એક પુત્રીને વિદેશમાં પરણાવનાર પ્રિયાબેનનો છેલ્લા ચાર મહિનાથી રિક્ષા (GJ-05-VV-0815)નો ચાલક પીછો કરતો હતો. દુકાન પાસેથી પસાર થતો ત્યારે રિક્ષાચાલક ગંદા ઈશારા કરતો હતો. પ્રિયાબેન બહાર નીકળે ત્યારે પીછો કરી પાછળથી પથ્થર ફેંકી ગાળ આપી વાત કેમ કરતી નથી તેવું પૂછી હેરાન કરતો હતો. જોકે, પ્રિયાબેને બદનામીના ડરે આ અંગે કોઈને વાત કરી નહોતી.

પથ્થર ફેંકી ગંદા ઈશારા કરી ભાગી ગયો
ગત રવિવારે સવારે નવ વાગ્યે પ્રિયાબેન નજીકમાં રહેતા સાસુના ઘરે ચાલતા જતા હતા. ત્યારે રિક્ષાચાલકે પીછો કરી રિક્ષા ઉભી રાખી પૂછ્યું હતું કે તું આટલો ભાવ કેમ ખાય છે? મારી સાથે વાત કેમ કરતી નથી? તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકી મારી નાંખીશ તેવી ધમકી આપી તે ચાલ્યો ગયો હતો. બાદમાં બપોરે એક વાગ્યે પ્રિયાબેન દુકાને હાજર હતા ત્યારે ફરી રીક્ષા ચાલક આવ્યો હતો અને પથ્થર ફેંકી ગંદા ઈશારા કરી ભાગી ગયો હતો. આ અંગે છેવટે પ્રિયાબેને રિક્ષાચાલક વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...