તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા મહેકી:​​​​​​​સુરતમાં કોળી પટેલ સમાજના મહિલાના અંગોનું દાન, કિડની, લિવર અને ચક્ષુઓના ડોનેશનથી પાંચને નવું જીવન મળ્યું

સુરત3 મહિનો પહેલા
પરિવારે અંગદાનની સહમતી આપતાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
  • ગ્રીન કોરીડોરથી અંગોને અમદાવાદ સુધી પહોંચાડવામાં આવ્યાં

કોરોના સંક્રમણ વચ્ચે પણ સુરતથી અંગદાનનું માનવતાનું કાર્ય સતત અવિરત રહ્યું છે. કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી છે. માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવાતા શહેરમાંથી છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.

બ્લેડપ્રેશર વધતા લક્વાની અસર થયેલી
નવસારી જિલ્લાના ગણતદેવી તાલુકાના અજરાઈ મંડળીની બાજુમાં રહેતા કલ્પનાબેનને 3 જૂનના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર થઈ ગઈ હતી. જેથી તેમને તાત્કાલિક ગણદેવીની દમણીયા હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાએ સર્જરી (EVD)કરી મગજમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું હતું.બુધવાર તા.17 જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ફીજીશીયન ડૉ.સમીર ગામી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ખુશ્બુ વઘાસીયા, મેડીકલ ઓફિસર ડૉ.મનીષા ધોળકિયાએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા.

પરિવારના સભ્યોએ મૃતકના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
પરિવારના સભ્યોએ મૃતકના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

પરિવારે અંગદાનની સંમતી આપી
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કલ્પનાબેનના પુત્ર પ્રતિક અને વિવેક, જમાઈ કમલકુમાર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતાં. તેઓ જીવનમાં હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. આજે જયારે મારા મમ્મી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના મોઢા ઉપર ખુશી લાવો. મારા પપ્પાની ઈચ્છા પણ એવી જ છે કે, મારી મમ્મીના અંગદાન થકી તેમને બીજા ચાર-પાંચ વ્યક્તિમાં જીવિત રાખો.

હોસ્પિટલ સ્ટાફે અંગદાતાને સલામી આપી હતી.
હોસ્પિટલ સ્ટાફે અંગદાતાને સલામી આપી હતી.

અમદાવાદમાં કિડની,લિવર અપાયા
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTOના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા.અમદાવાદની IKDRC હોસ્પીટલના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સુરતથી અમદાવાદ વચ્ચે ગ્રીન કોરીડોર કરવામાં આવ્યો હતો.
સુરતથી અમદાવાદ વચ્ચે ગ્રીન કોરીડોર કરવામાં આવ્યો હતો.

ગ્રીન કોરીડોર કરાયો હતો
સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની IKDRCહોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 220 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.