• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Younger Sister Donate Kidney To Donate Life's Vice President And Former Income Tax Commissioner Of Surat Before Rakshabandhan

બહેન બની જીવનરક્ષક:નાની બહેને રાખડીના આશીર્વાદ આપ્યા અને નિભાવી પણ જાણ્યા! જરૂર પડી તો પોતાની કિડની આપી વીરાની વ્હારે થઈ

સુરત2 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • સુરતના પૂર્વ ઇન્કમટેકસ કમિશનરને નાની બહેને કિડની આપી રક્ષાબંધન પૂર્વે આપ્યું જીવનદાન
  • પરિવારમાં ભાઈ મારા પિતા તુલ્ય છે, રક્ષાબંધન પૂર્વે જ નવું જીવન આપવામાં યોગદાન આપી શકીઃ બહેન
  • હવે પછીની મારા જીવનની એક એક શ્વાસએ મારી બહેનના આપેલા આશીર્વાદ સમાન રહેશેઃ ભાઈ

રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમનો અનોખો તહેવાર છે. સામાન્ય રીતે આ તહેવારમાં ભાઈ બહેનને ભેટ આપતો હોય છે. પરંતુ એક કિસ્સો સામે આવ્યો છે કે બહેને પોતાના ભાઇને જીવનદાન આપ્યું છે. ઓર્ગન ડોનેટ માટે જે સંસ્થા કામ કરે છે તે ડોનેટ લાઈફ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ અને સુરતના પૂર્વ ઇન્કમટેકસ કમિશનરને પોતાની જ નાની બહેને રક્ષાબંધન પહેલા કિડની આપીને નવું જીવન આપ્યું છે.

2013માં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી
સુરતના પૂર્વ ઈન્કમટેક્સ કમિશનર અને હાલ લખનૌ ખાતે ચીફ ઈન્કમટેક્સ કમિશનર તરીકે ફરજ બજાવતા સંદિપકુમારની બંને કિડનીઓ ફેલ થઇ ગઇ હતી. વર્ષ 2013માં સુરતમાં ઇન્કમટેક્ષ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન તેમની કિડની ફેલ થઈ જતા અમદાવાદ IKDRC સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. ત્યારબાદ તેઓ લગભગ આ મુશ્કેલીમાંથી સ્વસ્થ થઈ ગયા હતા અને પોતાનું જીવન ખૂબ જ સારી રીતે જીવી રહ્યા હતા.

ફરી કડિની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે એમ હોવાથી બહેન આગળ આવી
વર્ષ 2020માં લખનૌના ચીફ ઇન્કમટેકસ કમિશનર સંદિપ કુમારની તબિયત ફરી એકવાર લથડવા માંડી હતી. તેમણે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી તે હવે યોગ્ય રીતે કામ કરતી ન હતી. તેને કારણે ફરી એક વખત તેમના જીવનું જોખમ ઊભું થયું હતું. ડોક્ટરોએ ફરી એકવાર તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત વિશે વાત કરી. આ બાબતને લઈને તેઓ મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ તેમની બહેન ભાઈ માટે આગળ આવી હતી. આખરે ડોક્ટરે તમામ મેડીકલ તપાસ કર્યા બાદ તેમની જ નાની બહેનની કિડની તેમને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો અને બહેન અને તેના પરિવારના લોકોએ પણ તેમાં તેને સહયોગ આપ્યો હતો.

બહેનને કિડની દાન આપવા માટે પરિવારે પણ સમર્થન આપ્યું હતું.
બહેનને કિડની દાન આપવા માટે પરિવારે પણ સમર્થન આપ્યું હતું.

બહેનને પતિ અને પરિવારને સમર્થન આપ્યું
સંદિપ કુમારની નાની બહેન સુજાતા દેવ પણ પોતે ડોક્ટર છે. ડોક્ટર સુજાતા દેવ લખનૌની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. પોતાના મોટા ભાઈની તબિયત ફરી એકવાર લથડતાં તેમને કિડની આપવાની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે અન્ય કોઈ કિડની ડોનેટ કરે અને પછી પોતાના ભાઈને મળે તેના કરતાં પોતે જ ઓર્ગન ડોનેટ કરીને પોતાના ભાઈનું જીવન બચાવવા માટે આગળ આવી હતી. ડોક્ટર સુજાતા દેવના પતિ પણ ડોક્ટર છે. તેમણે પણ સુજાતાને પોતાના ભાઈને જીવનદાન આપવા માટે તેમણે લીધેલા નિર્ણયને સમર્થન આપ્યું હતું.

કિડની આપવામાં મને કોઈપણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી
ડો.સુજાતા દેવે Divyabhaskar.com સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, મે મારા પિતા ગુમાવી ચૂક્યા છે. એટલું જ નહીં મારા એક ભાઈને પણ હું ગુમાવી ચૂકી છું. સંદિપ કુમાર મારા મોટાભાઈ છે. જે આજે મારા પરિવારમાં મારા પિતા તુલ્ય છે. હું ખૂબ જ ખુશ છું કે હું રક્ષાબંધન પૂર્વે જ મારા ભાઈને નવું જીવન આપવામાં યોગદાન આપી શકી છું. હું પોતે ડોક્ટર છું મારા પતિ ડોક્ટર છે અને મારી દીકરી પણ મેડિકલનો અભ્યાસ કરી રહી છે. જેથી કિડની આપવામાં મને કોઈપણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હું મારા ભાઈને નવું જીવન ભેટ આપવાનો હર્ષ અનુભવી રહી છું.

બહેન અને તેના પતિ પણ ડોક્ટર હોવાથી કિડની દાનમાં કોઈ મુશ્કેલી ન આવી.
બહેન અને તેના પતિ પણ ડોક્ટર હોવાથી કિડની દાનમાં કોઈ મુશ્કેલી ન આવી.

કિડની દાનથી રક્ષાબંધનની બહેનની ભાઈને ભેટ
હાલ લખનૌમાં ચીફ ઇન્કમટેકસ કમિશનર તરીકે ફરજ બજાવતા અને ડોનેટ લાઈફ સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ સંદિપ કુમારે જણાવ્યું કે અમદાવાદ ખાતે જ મેં કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા પણ કરાવ્યું હતું અત્યારે પણ કરાવ્યું છે. રક્ષાબંધન વખતે ભાઈ બહેનને રાખડી બાંધવા નિમિત્તે સરસ મજાની તેની મનગમતી ચીજ વસ્તુઓની ભેટ આપીને ખુશ કરી દેતા હોય છે. પરંતુ મારા જીવનમાં અવિસ્મરણીય પ્રસંગ બનીને આ રક્ષાબંધન આવ્યું છે. મારી બહેને એની પોતાની કિડની મને આપીને નવું જીવનદાન આપ્યું છે, આનાથી મોટી રક્ષાબંધનની બહેનની ભાઈને શું ભેટ હોય શકે.

રક્ષાબંધનનો તહેવાર મારા જીવનનો આવેલો સૌથી યાદગાર તહેવાર
સંદિપ કુમારે વધુમાં જણાવ્યું કે, મારી નાની બહેન સુજાતા એ મારા માટે જે કર્યું છે તે આ સંસારમાં ઉદાહરણરૂપ બની ગયું છે. આ વખતનો રક્ષાબંધનનો તહેવાર મારા જીવનનો આવેલો સૌથી યાદગાર તહેવાર તરીકે હું તેને જોઈ રહ્યો છું. ભાઈ-બહેનના પ્રેમનો આ અતુલ્ય કિસ્સો ક્યારેય ભૂલી શકાય એમ નથી. હવે પછીની મારા જીવનની એક એક શ્વાસએ મારી બહેનના આપેલા આશીર્વાદ સમાન રહેશે.

અન્ય સમાચારો પણ છે...