કોવિડ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝને ફળ્યું:કોરોનાકાળમાં ડૉક્ટરોનાં IT રિટર્નમાં 20%નો ઉછાળો, ટોપ 100 કરદાતામાં પણ ડૉક્ટરો-હોસ્પિટલો સામેલ

સુરત3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • સુરતમાં ઢગલાબંધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છતાં એકપણ બિલ્ડર યાદીમાં સામેલ નથી
  • અનેકના એડવાન્સ ટેકસમાં 500%નો ઉછાળો - ટોપ-10માં એકેય ડાયમંડ-ટેક્સટાઇલવાળા નહીં, બે મહિલા ટોપ-8માં

આવકવેરા વિભાગમાં કોરોનાકાળ દરમિયાન ભરપાઈ કરાયેલાં એડવાન્સ ટેક્સના ડેટા પરથી ચોંકાવનારાં તારણ બહાર આવી રહ્યા છે. ખાસ કરીને મેડિકલ ઇન્ડસ્ટ્રીઝને કોરોનાકાળ ફળ્યો હોય એવી પ્રતીતિ થઈ રહી છે. ટોપ-100 કરદાતાઓમાં હોસ્પિટલ અને ડોકટરોની એન્ટ્રી થઈ છે. જે અગાઉના વર્ષોમાં નહતી. આ ઉપરાંત ટોપ-10ની વાત કરીએ તો ત્રણ મહિલાની એન્ટ્રી થઈ છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

ડાયમંડ સિટી હોવા છતાં ટેક્સ ભરવાની બાબતે ટોપ-10માં એકેય ડાયમંડ ધંધાર્થી નથી. તેના કરતાં કો.ઓપરિટવ બેન્કો આગળ નીકળી ગઈ છે. ટોપ-8માં ત્રણ મુસ્લિમ કરદાતાઓ પણ સામેલ થયા છે. ટોપ-100 કરદાતાઓમાં અનેકના રિટર્નમાં 500 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત એક ચોંકાવનારી બાબત એ છે કે આ લિસ્ટમાં બિલ્ડરો પણ ગાયબ છે. કોવિડનો ગાળો તમામને બરાબરનો નડયો છે. શહેરના ટોપ-10માં આવતા સી.એ. સાથેની વાતચીતમાં બહાર આવ્યું હતું કે અનેક ડોકટરો અને હોસ્પિટલોએ કોવિડમાં એડવાન્સ ટેક્સ વધુ ભર્યો છે.

ઉપરાંત આવનારા સમયમાં ભરાનાર રિટર્નમાં પણ ખાસ્સો ઉછાળો આવવાનો સંકેત એક્સપર્ટએ આપ્યો છે. ખાસ કરીને ફિઝિશિયન અને કોવિડ ડયુટીના પ્રાઇવેટ ડોકટરો તેમાં આગળ છે. ઇ એન્ડ ટી, ઓર્થો કે અન્ય ડોકટરોના રિટર્નમાં કોઈ વધારો થયો નથી.

60 કરદાતાઓની પહેલીવાર ટોપ-100માં એન્ટ્રી
ટોપ-100ની યાદી ચકાસીએ તો તેમાં 60 કરદાતા એવા છે જેમણે ગત વર્ષે આ પિરિયડ દરમિયાન એકેય રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો નહતો અને આ વખતે તેઓ સીધા ટોપ-100માં સામેલ થયા છે. નોંધનીય છે કે શહેર-જિલ્લામાં આઇટી રિટર્ન ભરનારાઓની સંખ્યા 12 લાખ જેટલી છે. જે કરદાતા પહેલીવાર સામેલ થયા છે તેમાં ટોપ-12માં તો એક હોસ્પિટલ અને ટોપ-30માં એક ડોકટર પણ છે. આ ઉપરાંત મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે જોડાયેલી ફર્મ પણ છે.

હાઇએસ્ટ એડવાન્સ ટેક્સ 4.50 કરોડ
ટેકનોલોજીના વ્યવસાય સાથે જોડાયેલી એક કંપનીએ રૂપિયા 4.5 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો છે, ત્યારબાદ એક બેન્કે 3.50 કરોડ, બે મુસ્લિમ કરદાતાઓએ 3.5 કરોડ ટેક્સ ભર્યો છે. ટોપ-10 દ્વારા જ 25 કરોડનો એડવાન્સ ટેક્સ ભરાયો છે. ટોપ-12માં આવતી હોસ્પિટલે એક કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત રાંદેરના એક મુસ્લિમ બિલ્ડરના પુત્રએ 25 લાખનો એડવાન્સ ટેક્સ ભર્યો છે.

ડાયમંડની 12 ફર્મ, 13 બેન્કો સામેલ
સુરત ઇન્કમટેક્સ વિભાગના રસપ્રદ આંકડા બહાર આવ્યા છે. ટોપ-100ના નોન કંપની લિસ્ટમાં 12 ડાયમંડની પેઢીઓનો સમાવેશ થાય છે જ્યારે 13 જેટલી બેન્કો છે. ટેક્સટાઇલની ત્રણ જેટલી પેઢીઓ સામેલ છે. જ્યારે કેમિકલ સાથે જોડાયેલી ફર્મ ટોપ-10માં છે. સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઈલ પેઢીઓ હોવા છતાં કરમાં તેમની હાજરી નગણ્ય છે.