તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સુરતમાં ઇન-સર્વિસ તબીબો કેન્દ્રના ધોરણે વેતન સહિતની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

સુરત3 મહિનો પહેલા
તબીબો આજથી અચોક્ક્સ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા.
  • સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે આવતા ગંભીર દર્દીઓને અસર થઈ શકે

રાજ્યમાં ફરજ બજાવતા ઇન-સર્વિસ તીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ગુજરાત ઇન-સર્વિસ ડોકટર્સ એસોસીએશન દ્વારા સરકારમાં વારંવાર ન્યાયી અને વ્યાજબીપણા સાથે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ નહીં આવતા તમામ ડોક્ટરો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. ભુતકાળમાં આંદોલન દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યા બાદ સમાધાનના ભાગરૂપે ઇન-સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ખાત્રીઓ આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ સરકારે આંખ આડા કાન કરી લેતા આજે સુરતમાં સિવિલ હોસ્પિટલના ઇન-સર્વિસ ડોક્ટરો અચ્ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. તબીબો દ્વારા કેન્દ્રના ધોરણે વેતન સહિતની માંગ કરવામાં આવી છે.

ખાલી જગ્યાઓ પર સમયસર બઢતી સહિતની માંગ
ઈન-સર્વિસ તબીબોને કેન્દ્રના સાતમાં પગાર પંચ મુજબ એન.પી.એ. આપવું અને એન.પી.એ.ને પગાર ગણી તમામ લાભો એન.પી.એ. પર આપવા. કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને વેતન, અનુસ્નાતક અભ્યાસ માટે 25 ટકા અનામત બેઠકો અને ખાલી જગ્યાઓ પર સમયસર બઢતી સહિતની માંગ છે.

પ્રશ્નો અને માગણીઓનો ઉકેલ આપવામાં આવ્યો નથી
ડો. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે, તાજેતરમાં મે માસમાં ઇન-સર્વિસ તબીબોએ તા.10/05/2021 થી તા.15/05/2021 દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પણ સરકાર દ્વારા કોઇ પણ જાતનો પ્રતિભાવ આપવામા આવ્યો ન હતો. તા.17/05/2021 થી તા.22/05/2021 દરમ્યાનની ઇન-સર્વિસ તબીબોની પેન ડાઉન હડતાળ દરમિયાન તા.18/05/2021ની તાકીદની ઇન-સર્વિસ તબીબોની રાજ્યવ્યાપી હડતાળના અનુસંધાને તા.18/05/2021 ના રોજ અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીની સૂચના છે કે ઇન-સર્વિસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી લઇની હાલના બીજા કોરોના મહામારીમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે એટલે તેમના રજૂઆત પામેલ, વ્યાજબી પ્રશ્નો અને માંગણીનો ઉકેલ લાવવામાં આવે. તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વિટર મેસેજ દ્વારા જણાવવામાં આવેલ કે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ આપવામાં આવશે.

સરકારે આંખ આડા કાન કરી લેતા તબીબોએ વિરોધનો માર્ગ અપનાવ્યો.
સરકારે આંખ આડા કાન કરી લેતા તબીબોએ વિરોધનો માર્ગ અપનાવ્યો.

આજદીન સુધી એક પણ આદેશ થયો નથી
વધુમાં ઉમેર્યું હતું કે, તા.31/05/2021ના રોજ ફરીથી અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે સરકારમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઇન-સર્વિસ તબીબોના રજૂઆત કરાયેલા પ્રશ્નો અને માંગણીઓની ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા અને અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવેલ કે ટુંક સમયમાં ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ઉકેલાત્મક આદેશો કરવામા આવશે પરંતુ આજદીન સુધી એક પણ આદેશ થયો નથી. જેથી ઇન-સર્વિસ તબીબોમાં રોષ અને આક્રોશ પ્રસરવા પામ્યો છે તેમજ અન્યાયની લાગણી અનુભવે છે.

વિરોધમાં મહિલા તબીબો પણ જોડાય.
વિરોધમાં મહિલા તબીબો પણ જોડાય.

સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે
એસોસીએશન દ્વારા ઇન-સર્વિસ તબીબોની ઓનલાઇન બેઠકમાં બોલાવવામાં આવેલ ઠરાવવામાં આવેલ છે કે ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માગણીઓ માટે યોજાયેલ તા.31/05/2021ની બેઠકમાં થયેલ નિર્ણયોના અમલવારીના ન્યાયી આદેશો કરવામાં ન આવતા ઇન-સર્વિસ તબીબો આજથી અચ્ચોક્કસ મુદ્દતની હડતાલ ઉતરી ગયા છે. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. સરકાર દ્વારા આદેશો આપવામાં આવશે ત્યાર બાદ જ ઇન-સર્વિસ તબીબો હડતાળ પરથી પરત આવશે એવું જણાવ્યું છે.