તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સર્જરી:સુરતમાં સિવિલ હોસ્પિટલમાં યુવાનનાં કાન પાસેથી લાળગ્રંથીની 300 ગ્રામની ગાંઠ નિઃશુલ્ક સર્જરી કરી તબીબોએ કાઢી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવાનની ગાંઠ સાથે અને ગાંઠ કઢાયા બાદની તસવીર. - Divya Bhaskar
યુવાનની ગાંઠ સાથે અને ગાંઠ કઢાયા બાદની તસવીર.
  • ગાંઠ 10 સેમી લાંબી અને 10 સેમી પહોળી હોવાથી તબીબો ચોંકી ગયા હતા
  • ગાંઠને કારણે ખાવામાં તકલીફ સાથે કાનની તકલીફ પણ થતી હતી

સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કાન-નાક-ગળા(ઇએનટી) વિભાગમાં ભટારના યુવાનના કાન પાસેથી લાળગ્રંથીની 10 બાય 10 સેન્ટીમીટરની 300 ગ્રામ વજનની મોટી ગાંઠ માઇક્રોસ્કોપ દ્વારા સર્જરી કરીને બહાર કઢાઇ હતી. સામાન્ય સંજોગોમાં 15 ગ્રામની રહેતી ગાંઠ આ કેસમાં 300 ગ્રામની નીકળતા તબીબો પણ ચોંકી ગયા હતા. તબીબોએ માત્ર ગાંઠ દૂર કરી નહોતી, યુવકનો ચહેરો પણ કદરૂતો થતા બચાવ્યો હતો.

પાંચ કલાકના ઓપરેશન બાદ ગાંઠ કઢાઈ
પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારનો વતની અને હાલમાં ભટાર ખાતે ટેનામેન્ટમાં રહેતો તેમજ કડીયાકામ કરતા રાજેશ ભદ્રેશ સહાનીને ચાર વર્ષ પહેલા તેના ડાબા કાન પાસે થયેલી ગાંઠ ધીરે ધીરે મોટી થઇ જતા ખાવામાં, કાન સહિતની તકલીફ થવા લાગી હતી. ચહેરો પણ બદલાઇ ગયો હતો. 15 દિવસ પહેલાં તે સિવિલમાં આવતા ઇનએનટી વિભાગના ડોક્ટરે વોર્ડમાં દાખલ કર્યો હતો. ત્યારબાદ વિભાગના ડો.આનંદ ચૌધરી, ડો.ભાવિક પટેલ અને ડો.રાહુલ પટેલે તેનું માઇક્રોસ્કોપ દ્વારા એક પણ કોમ્પ્લીકેશન વગર ડાબા કાન પાસે ઓપરેશન કર્યું હતું. પાંચ કલાકના ઓપરેશન બાદ લાળગ્રંથીની ગાંઠ કાઢી નખાઇ હતી.

સિવિલમાં નિઃશુલ્ક સર્જરી કરાઈ
સામાન્ય રીતે આ લાળગ્રંથી 15 ગ્રામની હોય છે. પણ યુવાનને તે વધીને 300 ગ્રામ જેટલી થઇ ગઇ હતી અને ગાંઠ 10 સેમી લાંબી અને 10 સેમી પહોળી હતી. સામાન્ય રીતે આવા ઓપરેશનમાં ચહેરાની નસને નુકસાન થઇ શકે, ચહેરાનો લકવો થઇ શકે છે. જ્યારે સર્જરીમાં લાંબો સમય વિલંબ કરાય તો કેન્સરની ગાંઠ પણ થઇ શકે છે. આ ઓપરેશનને પેરોટીકેકટોમી કહેવાય છે. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ રૂ.50 હજારથી રૂ.1 લાખ સુધી થઇ શકે છે. જોકે, સિવિલમાં નિઃશુલ્ક સર્જરી બાદ યુવાનનો ચહેરો પહેલાં જેવો થઇ જતા પરિવારમાં પણ ખુશાલી છવાઇ હતી.