વિરોધ:‘અડાજણમાં પાલિકાના પ્લોટ પરના ફૂડ કોર્ટની મુદત રિન્યૂ કરશો નહીં’

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ વિવિધ મુદ્દે પાલિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો
  • ગ્રાહકો આડેધડ પાર્કિંગ કરતા હોવા સહિતની ફરિયાદો

ગત વર્ષે જૂન મહિનામાં આગામી 6 મહિના માટે પાલિકાએ અડાજણમાં આવેલો એક પ્લોટ ખાનગી ફૂડ કોર્ટ માટે ભાડે આપ્યો હતો. પાલિકાના આ પ્લોટ પર આયોજિત ફૂડ કોર્ટના લીધે રોડ પર આડેધડ પાર્કિંગ, મોડીરાત સુધી ભીડ રહેવી, ગંદકી થવી તેમજ ફાયર સેફટી વગરના પાકા બાંધકામોથી અકસ્માતના જોખમની ભીતિ સહિતની ફરિયાદ કરવામાં આવી હતી.

આ પ્લોટના ભાડાની સમય મર્યાદા ગત ડિસેમ્બરમાં પૂરી થઇ ગઈ હોવાથી હવે રહીશોએ આ મુદ્દત રિન્યૂ ન કરવાની પાલિકા કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી હતી. અડાજણમાં ડી-માર્ટ પાસેના રોડ પરની કેપિટલ હાઉસિંગ સોસાયટી ખાતે રહેતાં અજય વનવીર મહેતાએ એડવોકેટ ચિરાગ ગગલાણી મારફત કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અડાજણના એફપી નં-198વાળી પાલિકાની જમીન ફૂડ કોર્ટ માટે ભાડે આપવામાં આવી હતી. આ સ્ટોલ્સ ફૂડ લાઇસન્સ તેમજ ફાયર સેફટી વગર બન્યા હોવાનું જણાવી રહીશોએ સ્વાસ્થ્યને નુકસાનની ભીતિ વ્યક્ત કરી છે.

આ ફૂડ કોર્ટમાં આવતા ગ્રાહકો જાહેર રોડ પર વાહનો આડેધડ પાર્ક કરે છે. વિવિધ વાંધા સાથે રહીશોએ ફૂડ કોર્ટ બંધ કરાવી ભાડાની મુદ્દત પૂરી થઇ હોવાથી હવે તે રિન્યૂ ન કરવા રજૂઆત કરી હતી. વિવિધ પ્લોટ ભાડે અપાયા બાદ પદાધિકારીઓએ મળતિયાઓને જ પાલિકાની જમીન ફાળવી હોવાના આક્ષેપ સાથે જે તે સમયે ભારે વિવાદ પણ ઊભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...