બેદરકારી:સુરતમાં કોરોના કેસનો વધારો ને યુવાનો બેફિકર, પીપલોદમાં યોજાયેલી DJ પાર્ટીના વીડિયો વાઇરલ

સુરત4 મહિનો પહેલા
યુવાનો કોરોના ભૂલ્યા હોવાનો વીડિયો વાઇરલ.
  • કોરોના ગાઇડલાઇન ભૂલીને ડીજે પાર્ટી કરી હોવાનો વીડિયો વાઇરલ

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાવાનો શરૂ થતાની સાથે જ કોર્પોરેશન હરકતમાં આવી છે પરંતુ હજી પણ ઘણા એવા આયોજનો ચોરી છૂપીથી થઈ રહ્યા છે કે જ્યાં આગળ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવતું દેખાય છે. પીપલોદ વિસ્તારના ડીજે પાર્ટીનો વીડિયો વાઇરલ થતા અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીપલોદમાં મિ. મેંકેટ હોલમાં બોલિ બુમ નાઈટ ક્લબ દ્વારા ડીજે પાર્ટીનું આયોજન થયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ડીજે પાર્ટીમાં યુવાનો કેવી રીતે બેફિકરાઈથી ડીજે પાર્ટી માણી રહ્યા છે તે ખરેખર ખૂબ જ આઘાતજનક અને ગંભીર બાબત છે.

ડીજે પાર્ટી જેવા આયોજકો ઉપર લગામ લગાડવાની જરૂર
સુરતના સૌથી પોશ વિસ્તાર ગણાતા વિસ્તારોમાં આ રીતે અવારનવાર ડીજે પાર્ટીના વીડિયો વાઇરલ થવાના કિસ્સાઓ ભૂતકાળમાં પણ બહાર આવી ચૂક્યા છે. આ પ્રકારનું આયોજન ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આ પ્રકારના આયોજનો સામાન્ય બની ગયા છે છતાં પણ ઉમરા પોલીસ દ્વારા ગંભીરતાથી વિસ્તારોમાં ચાલતા ડીજે કાર્યક્રમો કે અન્ય પબ્લિકને રોકવાનું કામ પોલીસનું છે. પોતાના સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને આવા આયોજકો ઉપર લગામ લગાડવાની જરૂર છે પરંતુ જાણે ઉમરા પોલીસ સ્ટેશનનું કોઈપણ પ્રકારનો કંટ્રોલ તેમના વિસ્તારમાં ન હોય તેવું જણાય છે. સરકારની ગાઇડ લાઇનનું યોગ્ય રીતે અને ચુસ્તપણે પાલન થાય તેની કાળજી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રાખવાની જરૂર છે પરંતુ તે રાખવામાં આવી રહી નથી.

વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ તપાસ શરૂ થાય છે
મોટાભાગના કેસોમાં પોલીસ સ્ટેશનને જાણ જ નથી હોતી કે તેમના વિસ્તારમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં હોય છે ત્યારે સમગ્ર કિસ્સાઓ બહાર આવતા હોય છે અને તે અંગે જ્યારે સ્થાનિક પોલીસને પૂછવામાં આવતા હોય છે ત્યારે તેઓ એક જ વાત કરતા હોય છે કે અમારા ધ્યાન પર હજુ આવ્યું નથી. ત્યારબાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોની તપાસ શરૂ કરવામાં આવે છે.

પોલીસ આયોજક સામે કાર્યવાહી કરશે?
બોલી બૂમ નાઈટ ક્લબ દ્વારા આયોજન કરાયેલા ડીજે પાર્ટી સામે સખ્ત પગલાં લેવા જરૂરી છે કારણ કે આ પ્રકારના આયોજને કારણે જ બેદરકારીઓ સામે આવે છે અને કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધતા હોય છે. જે હોલમાં મિ. મેંકેટ હોલના સંચાલક સામે પણ પગલાં લેવા જરૂરી છે. ઉમરા પોલીસ કેટલી ગંભીરતાથી આ બાબતને લઈને કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે.