સુરતના સચિન GIDC વિસ્તારમાં ઝેરી કેમિકલ જાહેરમાં (ખુલ્લી ખાડીમાં) ઠાલવતી વખતે ગેસ ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લેતાં સામે અનેક બેદરકારીઓ આવી છે. સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠાલવવા આવતાં હોવાનું સામે આવ્યું છે. ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ચાલતું હોવાનું દિવ્ય ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે. રોજનાં હજારો ટેન્કર આવતાં હોવાથી પોલીસની પણ ક્ષમતા એટલી ન હોવાનું ખુદ પોલીસ કમિશનરે સ્વીકાર્યું છે. તો મામતદારે પણ વિસ્તાર ખૂબ મોટો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે. રાજકીય અને તંત્રની ઉદાસીનતા તથા યોગ્ય નીતિ ન હોવાને કારણે નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો હોવાનું સામે આવ્યું છે.
ખુલ્લામાં ટેન્કર ઠાલવાય છે-મામલતદાર
ચોર્યાસી તાલુકાના મામલતદાર ભરત સકસેનાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખુલ્લામાં ટેન્કર ઠાલવાય છે. જીપીસીબીનો સ્ટાફ પહોંચી વળતો નથી. અમારાથી જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ થઈ રહી નથી. આ વિસ્તાર ખૂબ જ મોટો છે. એટલા માટે અમારાથી પૂરતી કામગીરી યોગ્ય રીતે થઇ રહી નથી, એવું પણ મામલતદારે વધુમાં સ્વીકાર્યું હતું.
અગાઉ 3 ફરિયાદ મળેલી-GPCP
જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, અગાઉ છ મહિનામાં આ સહિતની ત્રીજી ફરિયાદ મળી છે. અગાઉ સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી. જેમાં પોલીસને સાથે રાખીને ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસિડિક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મળે તેને રોકવા માટે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
પોલીસ કમિશનરે લાચારી દર્શાવી
સુરતના પોલીસ કમિશનર અજય તોમરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સચિન જીઆઈડીસીમાં રોજનાં હજારો ટેન્કર આવે છે. પોલીસની એટલી ક્ષમતા નથી કે રોજનાં હજારો ટેન્કરો આવે છે તેની તપાસ કરી શકે. ટેન્કરો અહીં મોટી સંખ્યામાં ઊભાં પણ રહે છે, એટલે પોલીસની ક્ષમતા નથી. દરેક ટેન્કરની તપાસ કરવાની પોલીસ પાસે તાકાત નથી કે દરેકની તપાસ યોગ્ય રીતે થાય.
માલિક સામે કાર્યવાહી થવી જોઈએ-પાટીલ
નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ ટેન્કર જેણે મોકલ્યું હતું એ કંપનીના માલિકને પકડીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જોકે આ પ્રકારની કોઈ ઘટના ન બને એ માટે પણ આગળના સમયમાં યોગ્ય કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.
મોડી રાત્રે કેમિકલ ઠાલવવામાં છે
સચિન જીઆઇડીસી વિસ્તારમાં અન્ય શહેરોમાંથી ઝેરી કેમિકલ ગેરકાયદે રીતે ઠાલવવાનું રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે. રાત્રિના સમયે કેમિકલ ટેન્કર મારફત બહારથી લાવીને ઠાલવવાની મોડસ ઓપરેન્ડી ચાલે છે. ગંદા અને ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટના ઘણા સમયથી ચાલી રહી છે. એમ છતાં પોલીસ સહિતના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ કોઈ એકાદ દિવસની ઘટના નથી. સમયાંતરે આ પ્રકારના ગેરકાયદે કેમિકલ ઠાલવવાનું સામે આવતું હોય છે અને એને કારણે અનેક મુશ્કેલીઓ પણ ઊભી થતી રહે છે.
પેટ્રોલિંગનો અભાવ
પોલીસ યોગ્ય રીતે પેટ્રોલિંગ કરે એને એના સ્થાનિક વિસ્તારના જે ખબરીઓ છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો આ પ્રકારની ઘટનાને ટાળી શકાય છે, પરંતુ આ પ્રકારની ઘટનામાં પોલીસની જાણ બહાર સતત કેમિકલ ટેન્કર ખાલી થતાં રહે એ વાત ગળે ઊતરે એવું લાગતું નથી. પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે સામે આવી રહી છે, પરંતુ પોલીસ કમિશનર જાણે પોતાનો બચાવ કરતા હોય એ રીતે જવાબ આપી રહ્યા છે કે અમારે એટલી ક્ષમતા નથી કે અમે હજારોની સંખ્યામાં આવતાં ટેન્કરો પર નજર રાખીને એની તપાસ કરતા રહીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.