ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનાત્મક લોકો સુધી પહોંચવાનો પ્રયાસમાં કોઈ કસર બાકી રાખી નથી. જ્યારે પણ તેમને લોકો સાથે જોડાવાની તક મળે ત્યારે તેનો સદુપયોગ કરી લેતા હોય છે. તેના કારણે તેમનું સંગઠન પણ મજબુત થતું દેખાય છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છબીવાળી પતંગો આકાશમાં ઉડતી દેખાશે. અંદાજે 25 લાખ કરતાં વધારે પતંગો રાજ્યભરમાં વિતરણ કરવાનો કાર્યક્રમ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.
રંગબેરંગી પતંગો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હશે
અંબાનગર ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કાર્યાલય ખાતેથી પતંગ વિતરણનો પ્રારંભ કરાયો હતો. રાજ્યભરની અંદર પતંગના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રંગબેરંગી પતંગો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હશે પરંતુ અન્ય ઘણા બધા સ્લોગનો પણ લખવામાં આવ્યા છે. સ્લોગન થકી એક પ્રકારનો જનજાગૃતિનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. સુરત શહેર અને જિલ્લામાં પણ આજથી પતંગ વિતરણની કામગીરી શરૂ કરાઇ છે.
લોકોમાં જાગૃતિ લાવવા માટે પતંગને એક સંદેશરૂપે વિતરણ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાનની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. સરકારે કરેલા કામ તેમજ કોરોના સંક્રમણને લઈને જે લોકોમાં જાગૃતિ લાવવા માટે પતંગને એક સંદેશરૂપે લોકોની વચ્ચે વિતરણ કરવામાં આવશે. પતંગ ઉપર અમૃત મહોત્સવ દરમિયાન કરેલી કામગીરી નો ઉલ્લેખ છે તો કેટલાક પતંગ ઉપર વેક્સિનેશનના મહત્વ અંગેનું લખાણ જોવા મળશે. જે સંદેશો આપણે લોકો સુધી પહોંચાડવા માંગે છે તે પતંગ દ્વારા ખૂબ સારી રીતે પહોંચી શકે છે. તેથી રાજ્યભરની અંદર 25 લાખ જેટલા પતંગો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિતરણ કરાશે.
પતંગ પર વિવિધ સ્લોગન લખાયા
રાજ્યભરમાં વિતરણ કરવામાં આવનાર દરેક પતંગ પર વડાપ્રધાન મોદીની તસવીર છે. આ સાથે ભાજપ સરકારના વિવિધ સ્લોગનો લખવામાં આવ્યા છે. જેમાં આઝાદીનો અમૃત મહોત્સવ, દુનિયાનું સૌથી મોટું ફ્રી રસીકરણ અભિયાન, મેક ફોર વર્લ્ડ, હેપી મકરસંક્રાતિ જેવા સ્લોગનો લખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.