ધરપકડ:મંદિરની 200 કરોડની મિલકત પચાવવાના કેસમાં દિપાંશુ મહારાજ દિલ્હીથી ઝડપાયો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાલાજી ચાર સંપ્રદાય મંદિરના ટ્રસ્ટીઓએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી
  • ગુનો દાખલ થયા બાદ સુરતથી ભાગીને નેપાળ ગયો હતો, હજુ બે આરોપી ફરાર

મહિધરપુરામાં આવેલા બાલાજી ચાર સંપ્રદાય મંદિરના ટ્રસ્ટની 200 કરોડ રૂપિયાની મિલકત પચાવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રસ્ટીઓને ધમકી આપનાર મંદિરના મહારાજ દિપાંશુને પોલીસે દિલ્હીથી મોર્નિંગ વોક કરતાં સમયે ધરપકડ કરી હતી. મહિધરપુરા ગલેમંડીરોડ પર 80 વર્ષ જૂના બાલાજી ચાર સંપ્રદાય મંદિરનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રસ્ટ પાસે ત્યાં 5500 સ્ક્વેર મીટર જમીન છે. આ જમીનની કિંમત હાલમાં 200 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આરોપી પરમેશ્વરદાસ જેણે ટ્રસ્ટમાંથી રાજીનામુ આપ્યું હતું તેને દિપાશુંને ગેરકાયદે પાવર ઓફ એટર્ની આપ્યો હતો. ટ્રસ્ટીઓને ટ્રસ્ટમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

ટ્રસ્ટના ભાડુઆતો પાસેથી ગમે તેમ રૂપિયા ઉઘરાવી અંગત ખર્ચમાં વાપરી નાખ્યા. દિપાંશુએ પોતે ટ્રસ્ટનો મહંત અને ટ્રસ્ટી હોવાની અફવા ફેલાવી હતી. ટ્રસ્ટની મિલકત ગેરકાયદેસર રીતે વેચવા માટે ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવ્યા હતા. આ બાબતે મંદિરના મુખ્ય ટ્રસ્ટી હસમુખ બાલુભાઈ પટેલ(રહે. કોસમાડી ગામ, નવુ ફળીયું, તાલુકા કામરેજ) જુલાઈમાં આરોપીઓ મંદિરનો મહારાજ દિપાંશુ કૃપાશંકર મિશ્રા(રહે. મૂળ જોનપુર,ઉત્તર પ્રદેશ,લમ્બે હનુમાન મંદિર,વરાછા,ગાંધીધામ કચ્છ),પરમેશ્વરદાસ ગુરૂ જગન્નાથદાસ અને યુવરાજ બડજાતિયા બડજાત્યા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવા,કાવતરૂ ઘડવું, ધમકી આપવી જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં દિપાંશુ મહારાજ નાસતો ફરતો હતો. તે નેપાળ પણ જઈ આવ્યો હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. હાલમાં તે દિલ્હીમાં હોવાની માહિતી મળી હતી. એસીપી બીએમ વસાવાએ દિપાંશુને પકડવા માટે દિલ્હી ટીમ મોકલી હતી. ત્યાં મોર્નિંગ વોક કરતા રસ્તા પરથી તેને ઉપાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...