સમસ્યા:જૂની મિલકતોનાં કાગળો મંગાતા દસ્તાવેજ નોંધવામાં ભારે મુશ્કેલી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલો એસીબી સુધી પહોંચ્યો, આજે કાયદામંત્રીને રજૂઆત કરાશે
  • કોટ, કતારગામ વિસ્તારની જૂની મિલકતો મામલે સમસ્યા વધુ

દસ્તાવેજ નોંધણીમાં આવેલા નવા ફેરફારના લીધે પક્ષકારો દોડી રહ્યા છે ત્યારે હવે જુની મિલકતોના દસ્તાવેજમાં મુશ્કેલીઓની બૂમ ઉઠી છે. ખાસ કરીને કોટ વિસ્તાર, કતારગામ વગેરેની જુની મિલકતો મામલે સમસ્યા વધુ છે. દરમિયાન સબ-રજિસ્ટ્રાર કચેરીમાં સડા જેમ પ્રવેશી ગયેલાં ભ્રષ્ટાચારનો મામલો એસીબી સુધી પહોંચ્યો છે. જે કેસમાં ફરિયાદી વકીલે પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ વકીલો અને સબ-રજિસ્ટ્રાર વચ્ચે દસ્તાવેજ નોંધણી મામલે તકરાર થઈ હતી.

વકીલો અગાઉ પણ રજૂઆત કરી ચૂકયા છે કે દસ્તાવેજ નોંધણી માટે હાલ જે ડોક્યુમેન્ટ મંગાઈ રહ્યા છે તેનાથી દસ્તાવેજ બનવાનો પ્રવાહ પણ ઓછો થઈ ગયો છે. ભાટપોરિયાનો મામલો એસીબીમાં : હવે એન્ટી કરપ્શનમાં પણ ફરિયાદ થઈ છે. વકીલે અલથાણ સબ રજિસ્ટ્રાર જે.સી. ભાટપોરિયા સામે એસીબીમાં ફરિયાદ કરી છે. આ ઉપરાંત ગુજરાત તકેદારી આયોગ, CBI, CIDમાં પણ ફરિયાદો થઈ છે.

પ્લાનના કાગળો મળવા મુશ્કેલ
‌નવા બાંધકામમાં રેરાના લીધે હવે બિલ્ડરો પણ સજાગ થયા છે અને જરૂરી ડોક્યુમેન્ટ આપે છે. પણ જૂની બિલ્ડિંગોમાં જો દસ્તાવેજ બનાવવા હોય તો પ્લાન વગેરેના ડોક્યુમેન્ટ મેળવવામાં તકલીફ પડી રહી છે.

આજે કાયદામંત્રી સાથે બેઠક
દરમિયાન બાર પ્રમુખ રમેશ કોરાટે કહ્યુ કે દસ્તાવેજ મામલે જે મુશ્કેલી ભરી સ્થિતિ ઊભી થઈ છે તેની રજૂઆત માટે મંગળવારના રોજ કાયદામંત્રીને રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...