ધરપકડ:શિપમાંથી ડીઝલ ચોરી : ગવિયર પાસે 2200 લિટર ડીઝલ અને 2 બોટ સહિત 3 ઝડપાયા

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુમસ પોલીસ ઉંઘતી રહી અને પીસીબીએ ડિઝલચોરીનું રેકેટ પકડી પાડ્યું

ડુમસ પોલીસ ઉંઘતી રહીને પીસીબીએ બાતમીને આધારે ગવિયર ગામના દરિયા કિનારા પરથી ડિઝલ ચોરીનું રેકેટ પકડી પાડયું હતું. પીસીબીએ 38 વર્ષીય ડીઝલ માફીયા તેજસ ઉર્ફે તેજો લાલજી પટેલ(રહે,નવી ઓર ફળિયું, ગવિયર) તેમજ તેના બે મજુરોમાં ગજેન્દર ઉર્ફે કરીયા રામસ્નેહી યાદવ(21) અને જીતેન્દ્ર ભગવાન રાય(30) (બંને રહે, તાપી કિનારે ઝુંપડામાં, ગવિયર)ને સોમવારે વહેલી સવારે પકડી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2200 લિટર ડીઝલના 11 પ્લાસ્ટીકનાં બેરેલ તેમજ બે બોટો મળી 3.73 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. તેજસે જહાજમાંથી ડીઝલ લઈ આવ્યો હોવાની કબૂલાત કરી છે.

ડીઝલ અને બોટ બાબતે તેની પાસે કોઈ આધાર પુરાવા ન મળતા પીસીબીએ 41(1)ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ડુમસ પોલીસને સોંપી હતી. તેજસ જહાજમાંથી સસ્તા ભાવે ડીઝલ લાવી ઝીંગા માફીયાઓને વેચતો હતો. તેજસની કોલ ડિટેઇલ્સની તપાસ કરાય તો કયા જહાજમાંથી 2200 લિટર ડીઝલ કાઢવામાં આવ્યું તેના પરથી પડદો ઊંચકાય શકે છે.

સંદિપ-કુન્દન પકડાય તો ઘણાં ભેદ ખુલી શકે છે
અગાઉ મગદલ્લા બંદર પાસે પીસીબીએ ટેમ્પો ચાલકને ડીઝલ સાથે પકડયો હતો. જેમાં ગવિયરના મનીષ પટેલનું નામ ખુલ્યું હતું. માર્ચ-20માં આભવા પાસે ટેન્કરથી 3 જણાને ડીઝલ ચોરી કરતા પકડી પાડયા હતા. તેમાં પણ હજુ સંદિપ અને કુન્દન વોન્ટેડ છે. પીસીબીએ જે ટેન્કર અગાઉ પકડયું તે ટેન્કર આગલા દિવસે ડીઝલ સપ્લાય કરવા ઝીંગા તળાવમાં ગયું હતુ. મગદલ્લા ચોકડીના સીસીટીવીની તપાસ કરાય તો ટેન્કરની વિગતો મળી શકે છે. કુંદન અને સંદીપ પકડાય પછી ઝીંગા માફીયાઓના નામો બહાર આવી શકે છે.

આવી રીતે ડીઝલની ચોરી કરવામાં આવે છે
દરિયામાં ડીઝલ ચોરીમાં મનીષ, તેજસ, પ્રકાશ અને રાજો સહિતના માફિયાઓ વેપલો કરી રહયા છે. દરિયામાં જહાજ આવે ત્યારે ડીઝલ માફિયાઓ એક દિવસ પહેલા જહાજના સ્ટાફ સાથે સેટિંગ કરી લેતા હોય છે. પછી મધરાતે બોટમાં નીકળી જહાજની નજીક પહોંચી મોબાઇલ પર સ્ટાફ સાથે વાત કરતા હોય છે. પાઇપનો એક છેડો જહાજના સ્ટાફને આપી બીજો છેડો બોટમાં મુકેલા બેરેલમાં મુકી મોટરથી ડીઝલ ભરી લેતા હોય છે. લગભગ એક બોટમાં 10 થી 12 બેરેલ લઈ આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...