સુરતની એક યુવતીએ IVFની મદદથી જોડીયા બાળકોને જન્મ આપી માતા બની છે. કોઈ પણ મુરતીયા પસંદ ન આવતાં લગ્ન ન કરવાનો નિર્ણય લીધા બાદ તેને માતા બનવાની ઝંખના થઈ હતી. આખરે IVFની સારવાર બાદ બુધવારે જોડીયા બાળક-બાળકીને સિઝર દ્વારા જન્મ આપ્યો છે.
નાનપુરા રહેતા પ્રતિષ્ઠીત દેસાઈ પરિવારના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટા બહેન માટે માતા-પિતા યોગ્ય પાત્ર શોધતા હતા. જે ન મળતા તેમજ માતા-પિતાની પણ સારસંભાળ લઈ શકે અને દીકરીઓ દીકરા સમાન બની સેવા કરી શકે તે માટે બંને બહેનોએ આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોટી બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાઈ થઈ અને ડિમ્પલ એન્જિનિયર બની માતા-પિતા સાથે રહે છે. પણ સ્ત્રી હોય એટલે માતૃત્વની ઝંખના હૃદયમાં જીવંત હોય જ. આખરે ડિમ્પલે મહત્વનો નિર્ણય કર્યો અને IVFની મદદથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું.
સામાજિક રીતે આ નિર્ણય ખુબજ પડકારજનક હતો છતાં મક્કમ મને નાણાવટની સાંઈ-પુજા હોસ્પિટલનો સંપર્ક કરી ડો. રાજીવ પ્રધાન અને ડો. રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરાવી. 2 સાયકલના પ્રયાસ બાદ ડિમ્પલ ગર્ભવતી થઈ અને બુધવારે પ્રસુતી થઈ હતી. જેમાં 1 બાળક અને 1 બાળકીને જન્મ આપ્યો છે. ડિમ્પલના આ નિર્ણય વિધવા, ત્યકતા તેમજ અપરણીત મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.
બીમારી સામે લડવા બાળકોના સ્ટેમસેલ સ્ટોર કરાયા
બંને બાળકોને ભવિષ્યમાં શારીરીક તકલીફ ન પડે તે માટે સ્ટેમસેલ સ્ટોર કર્યા છે. ડો. પ્રધાને જણાવ્યું કે લીમ્ફોમા કે કેન્સર જેવી જીનેટીક બીમારી થાય તો સ્ટેમસેલની મદદથી સારવાર આપી શકાય છે. સ્ટેમસેલ ગંભીર બીમારીમાં ખુબ ઉપયોગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.