ચોરીના CCTV:સુરતમાં હીરાના કારખાનામાંથી ચોર હીરા ચકાસી ચોરી કરી ફરાર, જેની કિંમત વધુ એજ હીરા ચોર્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હીરાની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો. - Divya Bhaskar
હીરાની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો.
  • ચોર 1.80 લાખની કિંમતના 10 નંગ હીરા ચોરી કરી ભાગી ગયો

સુરતમાં કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટીના એક હીરાના કારખાનામાંથી અજાણ્યો હીરાનો જાણકાર ચોર હીરા ચકાસી 1.80 લાખની કિંમતના 10 નંગ હીરા ચોરી કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. લગભગ 4 કેરેટના હીરા ચોરી કરનાર ઈસમ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ પણ તેની હરકતો જોઈ આશ્ચર્યમાં પડી ગઈ છે. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દરવાજાના તાળા કોઇ સાધન વડે ખોલી પ્રવેશ કર્યો
સાગર મહેશભાઇ ઠક્કર (રહે સિંગણપોર દેવપ્રયાગ રેસિડેન્સી) એ જણાવ્યું હતું કે તેઓ કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં હીરાની પેઢી ધરાવે છે. એક .હીના પહેલા જ ચાલુ કરી છે. ગતરોજ રાત્રીના સમયે ખાતું બંધ કરી નિત્યકર્મ મુજબ ઘરે આવી ગયા હતા. ત્યારબાદ રાત્રે 1.37 થી 2.44 મિનિટના સમયગાળા દરમિયાન એક અજાણયા ચોર ઇસમે તેમના ખાતામાં ઘૂસ્યો હતો. ગ્રિલના તથા ઓફિસના દરવાજાના તાળા કોઇ સાધન વડે ખોલી ખાતામાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ કારખાનામાં ટેબલના ખાનામાં મુકેલ અલગ-અલગ કેરેટના તૈયાર 10 નંગ હિરાઓની ચોરી કરી લીધી હતી. આ તૈયાર હીરાની કિંમત 1.80 લાખ રૂપિયા હતી.

હીરાના કારખાનામાંથી ચોરીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો.
હીરાના કારખાનામાંથી ચોરીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો.

ખાનામાંથી હીરા કાઢી ચોરે તમામ હીરા ચકાસી ચોરી કરી
બીજા દિવસે તેમને ખાતામાં ચોરી થયાની જાણ થતા તેઓએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં ચોર ઇસમ કેદ થયો હતો. એટલું જ નહીં પણ ખાનામાંથી હીરા કાઢી ચોરે તમામ હીરા ચકાસી કર્યા બાદ ચોરી કર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.