ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતનું 87.52 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરીએ સફળતા મેળવી છે. ગોપી વઘાસિયાને 96.28 સાથે A-1 ગ્રેડ મળ્યો છે. ગોપીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અરસપરસ ડાઉટ ફોન કરીને ક્લિયર સાથે આ સફળતા મેળવી છે. એમાં શિક્ષકો, માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. પિતાએ કાળી મજૂરી કરી હોવાથી આગામી સમયમાં પિતાને ગૌરવ થાય એ પ્રકારે સીએ બનીને નામ રોશન કરવાની ઈચ્છા છે.
પિતા રત્નકલાકાર
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ-12માં A-1 ગ્રેડ મેળવવાની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે. પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પપ્પાની મહેનત જોઈને ગોપીએ પણ ધોરણ 12માં ભારે મહેનત કરી, જેના કારણે આજે સારું પરિણામ મળ્યું છે.
માતા સિલાઈકામ કરે છે
ગોપીનાં માતા કૈલાસબેન ધોરણ સાત ભણેલાં છે. બંને સંતાનોને ભણાવીને આગળ વધારવા માટે ઘરે સિલાઈકામ કરે છે. રત્નકલાકાર પતિને ટૂંકી આવકમાં માતા પણ બાળકોના અભ્યાસ માટે પરિશ્રમ કરી રહ્યા છે.
હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવ્યું
ગોપીએ જણાવ્યું હતું કે ધોરણ 11 વખતે કોરોના સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. જેમાં એક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા સાથે જ રોજ આઠથી દસ કલાક મહેનત કરતા હતા.
સીએ બનવાની ઈચ્છા
ગોપીએ જણાવ્યું હતું કે, પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી. જેના કારણે ધોરણ 12માં ખૂબ મહેનત કરી અને આગામી સમયમાં સીએ બનીને સીએની ઓફિસ ખોલી પરિવારને મદદરૂપ થવાની તથા પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કરવું છે. પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.
પરિવારનો સપોર્ટ મળ્યો
વઘાસિયા પરિવારનો ગોપીને પૂરતો સપોર્ટ મળ્યો હતો. ગોપીનો મોટો ભાઈ એલએલબી કરી રહ્યો છે જે ગોપીને મદદ કરતો હતો તથા માતા કૈલાસબેન ગોપીને રાત્રે કે જ્યારે પણ જરૂર હોય ત્યારે જાગીને સપોર્ટ કરતા હતા તથા નાસ્તો કરાવવામાં તથા રાત્રે ચા પાણી પણ કરાવતા હતા. મોટો ભાઈ ગૌરવ પણ ભણ્યો હોવાથી ગોપીને પણ આગળ ભણવાની પરિવારે પૂરતી મદદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.