આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 120માંથી 120 ગુણ મેળવી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાની દીકરી વૈભવી મકવાણાએ આખા ગુજરાતમાં બાજી મારી છે. વૈભવીએ જણાવ્યું હતું કે, મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડતી હતી અને તેનું ફળ મળ્યું છે.
IITમાં એન્જિનિયરીંગ કરવાની ઈચ્છા
વૈશાલીએ કહ્યું કે, ગુજકેટમાં 120માંથી 120 લાવી તે માટે આશાદીપ શાળાના શિક્ષકોનો શ્રેય છે. શાળામાં દર બીજા દિવસે એક્ઝામ લેતા હતા. કોરાનાને કારણે વધુ શાળામાં સમય ન આપવાને લીધે લખવાની પ્રેક્ટિસ ખૂબ ઓછી હતી. પરંતુ સતત પરીક્ષા સંચાલકો દ્વારા લેવાને કારણે અમારું રિવિઝન પણ થતું રહ્યું તેનો ફાયદો થયો. છેલ્લા સમય દરમિયાન મેં ખુબ જ મેહનત કરી હતી. મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડતી હતી અને તેનું પરિણામ મને આજે મળ્યું છે. હવે આગળ હું JEEની તૈયારી કરીશ. બાદ આઈઆઈટીમાં એન્જિનિયરીંગ કરવાની ઈચ્છા છે.
પરિવારમાં ખુશીનો માહોલ
વરાછા વિસ્તારની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈભવી મકવાણા ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી પ્રથમ ક્રમે આવી છે. વૈભવીના પિતા લલિતભાઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. મૂળ વતન જૂનાગઢ છોડીને વર્ષોથી સુરત રોજગારી માટે આવી અહીં જ સ્થાયી થયા છે. દીકરીનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવવાને કારણે તેઓ ખૂબ જ આનંદમાં જોવા મળ્યા હતા.
પહેલી ડિગ્રીવાળી એન્જિનીયર બનશે તેનો હરખઃ પિતા
લલિતભાઈએ કહ્યું, અમારા પરિવાર મૂળ લોહાર વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરંપરાગત રીતે અમે આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ડિગ્રી વિનાના એન્જિનિયર અમારા પરિવારમાં વૈભવી પહેલી ડિગ્રીવાળી એન્જિનીયર બનશે તેનો હરખ છે. વૈભવીની માતા રૂપલબેન ગૃહિણી છે. તેઓએ વૈભવીની સફળતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, મને તો ખૂબ આનંદ છે.
ત્રણેય વિષયમાં 40માંથી 40 ગુણ મેળવ્યા
ગુજકેટની પરીક્ષામાં ફિઝિકસમાં 40માંથી 40, કેમેસ્ટ્રીમાં 40માંથી 40 અને મેથ્સમાં 40માંથી 40 માર્ક્સ મેળવ્યા છે. આમ કુલ 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. તમામ જવાબ સાચા હોવાથી રાજ્યમાં ગુજકેટમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.