અપહરણકારો ઝડપાયા:સુરતમાં 18.50 લાખની લેતી-દેતીમાં હીરાદલાલનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી માર મારનાર ચારની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
બે હીરા વેપારી સહિત ચારની ધરપકડ કરવામાં આવી. - Divya Bhaskar
બે હીરા વેપારી સહિત ચારની ધરપકડ કરવામાં આવી.
  • વાલક પાટિયાથી 60 વર્ષીય હીરાદલાલને બાઇક પર અપહરણ કરી માર માર્યો હતો
  • અપહરણ કરી 17 કલાક બાદ મુક્ત કરતા હીરાદલાલે ફરિયાદ નોંધાવી હતી

સુરત-મુંબઈના હીરાબજારમાં દલાલીનું કામ કરતા વૃદ્ધ હીરાદલાલનું રૂ.18.50 લાખના હીરાના બાકી પેમેન્ટ મામલે તેમની સોસાયટીના ગેટ પાસેથી અપહરણ કરી બે વેપારીએ મહિધરપુરા હીરાબજારમાં એક ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. બંને વેપારીએ તેમના વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં જઈ અરજી પણ કરી બાદમાં 17 કલાક બાદ મુક્ત કર્યા હતા. જોકે આ મામલે વૃદ્ધે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હીરાદલાલને સોસાયટીના ગેટ પર બોલાવી પેમેન્ટ માટે ઉઘરાણી કરી
સુરતના વાલક પાટિયા પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ હસમુખભાઈ ગોંડલિયા હીરા દલાલ તરીકે કામ કરે છે. છેલ્લા બે વર્ષથી મહિધરપુરા હીરાબજારમાં ઓફીસ ધરાવતા વિપુલ અને નીલેશભાઈ સાથે તેઓ બિઝનેસ કરે છે. 45 દિવસ પહેલા હીરા દલાલે વિપુલ અને નીલેશના 18.50 લાખના હીરા મુંબઈમાં પપ્પુ જૈન નામના વેપારીને વેચ્યા હતા. જેનું પેમેન્ટ પપ્પુ જૈને 15 દિવસમાં ચુકવવાની ખાતરી આપી હતી. જોકે 15 દિવસ વીત્યા બાદ પણ પપ્પુ જૈન રૂપિયા ચુકવવામાં આનાકાની કરતો હતો. બીજી તરફ વીપુલ અને નીલેશ ઉઘરાણી કરતા હતા. આ દરમ્યાન ગત 27મીએ રાતે 10 વાગ્યે વિપુલ તથા નીલેશ હીરા દલાલના ઘરે ગયા હતા. હીરાદલાલને સોસાયટીના ગેટ પર બોલાવી પેમેન્ટ માટે ઉઘરાણી કરી હતી.

લાકડાના ફટકાથી પણ માર મરાયો હતો
સોસાયટીના ગેટ પર જ એલફેલ બોલી માર માર્યો હતો અને બાદમાં બાઈક પર બેસાડી મહિધરપુરા સ્થિત બિલ્ડીંગમાં એક ઓફિસમાં લઇ ગયા હતા. ઓફિસમાં અગાઉથી ચારેક યુવકો બેસેલા હતા. અહીં ઓફિસમાં હીરા દલાલને ઢોરમાર માર્યો હતો અને લાકડાના ફટકાથી પણ માર મરાયો હતો. બીજા દિવસે મહિધરપુરા પોલીસમાં તેઓએ હીરા દલાલ વિરુદ્ધ લેતી દેતીની અરજી પણ કરી હતી અને બાદમાં હીરા દલાલને છોડી મુક્યા હતા. ઢોરમારનો ભોગ બનેલા હીરા દલાલને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા .આ ઘટના બાદ તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે વિપુલ અને નીલેશ સહીત 4 આરોપીઓની ધરપકડ કરી છે.