શુભ દિવસે ખરીદી:ધનતેરસે 160 કરોડના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ, પુષ્યનક્ષત્ર કરતાં 60 કરોડનો વધુ વેપાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં શહેરમાં 4 હજારથી વધુ બાઈક અને 400 જેટલી કાર વેચાઈ ગઈ
  • બપોરે 1 વાગ્યા સુધીમાં જ 60% વેપાર થઈ ગયો
  • 2થી લઈને 15 ગ્રામ સુધીની​​​​​​​ ​​​​​​​સોનાની લગડીની ડિમાન્ડ વધતાં શોરૂમમાં સ્ટોક ખૂટી પડ્યો

સુરત શહેરમાં પુષ્ય નક્ષત્ર બાદ ધનતેરસ પણ સુરતના જ્વેલર્સોને ફળી હતી. કારણ કે, ધનતેરસના દિવસે 160 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થતું હતું, જે પુષ્ય નક્ષત્ર કરતાં 60 કરોડનો વધારે બિઝનેસ સુરતના જ્વેલર્સોને મળ્યો છે. સવારથી જ શહેરના જ્વેલરી શો-રૂમ્સમાં શુભ દિવસે ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે બપોરે 1 વાગ્યા સુધીમાં 60 ટકા જેટલો બિઝનેસ થઈ હતો. જેને પગલે કોરોનાકાળ બાદ આ ધનતેરસ વેપારીઓનો ફળ્યો હતો. જેથી માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઘણા લોકોએ લગડીને બદલે દાગીના લીધા
ધનતેરસના શુભ દિવસે સોના-ચાંદીના દાગીનાનું તો વધારે વેચાણ થતું જ હોય છે પરંતુ સાથે સાથે 2 ગ્રામ, 5, ગ્રામ, 10 ગ્રામ અને 15 ગ્રામ સોનાની લગડીની માંગ પણ વધારે રહેતી હોય છે, ત્યારે શહેરના જ્વેલર્સોને ત્યાં સવારથી લોકોની ભીડ જામી હતી. સાંજે 8 વાગ્યા સુધીમાં મોટા જ્વેલર્સોને તો ત્યાં લગડીઓ ખૂટી પડી હતી. જેથી ગ્રાહકોએ બાદમાં દાગીનાની ખરીદી કરી સંતોષ માનવો
પડ્યો હતો.

સવારથી જ શહેરના શો રૂમ્સમાં ભારે ભીડ ઉમટી
સુરતમાં 2500થી વધારે નાના-મોટા જ્વેલર્સો છે. શહેરના તમામ જ્વેલરી શો-રૂમ્સમાં સવારથી જ લોકો સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતાં. જેને લઈને સોના, ચાંદીની લગડી સહિતની જ્વેલરીનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. 60 ટકા જેટલો બિઝનેસ તો બપોરે 1 વાગ્યા સુધીમાં જ થઈ ગયો હતો.

ઓટોમોબાઈલ્સ સેક્ટરમાં પણ તેજી
ધનતેરસમાં લોકો શૂકન માટે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ દિવસે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ સારો એવો બિઝનેસ થયો હતો. લોકો શુભ મૂર્હુતમાં બાઈક અને કારની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. આ વર્ષે ધનતેરસના દિવસે 4 હજાર બાઈક અને 400થી વધારે કારનું વેચાણ થયું હતું. જેને પગલે કોરોના કાળ બાદ વેપારીઓની દિ‌વાળી સુધરી જતા ચહેરા પર રોનક આવી હતી.

ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરીનું મોટા પાયે વેચાણ
પુષ્ય નક્ષત્ર કરતાં પણ ધનતેરસના દિવસે વધારે માર્કેટમાં ગ્રાહકોનો વધુ રિસપોન્સ મળ્યો છે. લોકોએ તમામ પ્રકારની જ્વેલરીઓની ખરીદી કરી છે. તેમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી પણ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાઈ છે. - મિલન શાહ, કલામંદિરના ઓનર.

પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ બંને વેપારીઓને ફળ્યા
સામાન્ય રીતે પુષ્ય નક્ષત્ર અથવા તો ધનતેરસમાં જ્વેલર્સોને સારો બિઝનેસ મળતો હોય છે પરંતુ આ વર્ષે પુષ્યનક્ષત્ર અને ધનતેરસ એમ બંનને દિવસે જ્વેલર્સોને ફળ્યા છે. - નૈનેષ પચ્ચીગર, ચેરમેન, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...