મંદિરમાં રોશનીનો ઝગમગાટ:સુરતના કંતારેશ્વર મંદિરે દેવઊઠી એકાદશીએ 4500 દીવડા કરાયા, 45 કિલો ઘીમાંથી 50 લોકોએ 4 કલાકમાં દીપ પ્રગટાવ્યા

સુરત21 દિવસ પહેલા
કંતારેશ્વર મંદિરમાં દેવઊઠી એકાદશીએ રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો.
  • શુદ્ધ ઘીમાંથી મંદિરમાં દીવડાઓ પ્રગટાવાતાં અલભ્ય નજારો સર્જાયો

દેવઊઠી એકાદશીની સાથે જ તુલસીવિવાહ થતાં લગ્નસરાની સીઝન શરૂ થઈ છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અતિપ્રાચીન કંતારેશ્વર મંદિરમાં દેવઊઠી એકાદશીએ રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. રવિવારે કંતારેશ્વર મંદિરમાં ઘીના દીવાઓથી રોશની કરવામાં આવી હતી. મંદિરના અવિનાશ મહારાજે જણાવ્યું હતું કે આ માટે 45 કિલો ઘીમાંથી 4,500 દીવા કરાયા હતા, જેમાં 50 ભક્તોને 4 કલાક લાગ્યા હતા.

મંદિરનાં અલગ અલગ સ્થળે દીવા પ્રગટાવાયા હતા.
મંદિરનાં અલગ અલગ સ્થળે દીવા પ્રગટાવાયા હતા.

તુલસી વિવાહનાં આયોજન
આ સાથે સગરામપુરાના રામજી મંદિરમાં પણ એકાદશી-તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત શેરીઓમાં તુલસીમાતાની શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ શહેરના સ્વામિનારાયણ મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો તેમજ મોટા ભાગનાં રામ મંદિરોમાં સોમવારે દેવઊઠી એકાદશી અને તુલસી વિવાહ કાર્યક્રમ યોજાશે.

શુદ્ધ ઘીમાંથી મંદિરના પરિસરમાં દીવા પ્રગટાવાયા હતા.
શુદ્ધ ઘીમાંથી મંદિરના પરિસરમાં દીવા પ્રગટાવાયા હતા.

પુરાણ પ્રસિદ્ધ મંદિર
કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે કપિલમુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું. પ્રાચીન સમયમાં કપિલમુનિએ ભાદરવા વદ-૬ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. કંતારેશ્વર મહાદેવ મંદિરમાં એક વિશાળ કુંડ આવેલો છે. એમાં ઊતરવા માટે પગથિયાં બનાવવામાં આવેલાં છે. કુંડનાં દર્શનથી લાખો લોકો પાવન થાય છે. કુંડની આજુબાજુમાં અનેક નાનીમોટી ભગવાનની દેરીઓ આવેલી છે. ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે, કુંડના ફરતે ચારે બાજુ સંતો-ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાઓ આવેલી છે.