સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સક્રિય આમ આદમી પાર્ટી સુરત શહેરમાં છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પોતાની ભૂમિકા ભજવી રહી છે. તેના ઉપર ભાજપ સતત નજર રાખી રહ્યું છે. કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર જે પ્રકારે લાઠીચાર્જ થયો અને તેના કારણે રાજ્યભરની અંદર રાજકીય ચર્ચા જોરશોરથી શરૂ થઇ છે. માટે રાજકીય નેતાઓના ઇશારે પોલીસ દ્વારા વિવિધ શહેરોમાં આપના કાર્યકરોની ધરપકડનો દોર શરૂ થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
કોઈ કાર્યવાહી નથી થઈ
સમગ્ર રાજ્યના શહેરોના આમ આદમી પાર્ટીના નેતાઓ અને ડિટેઇન કરવામાં આવ્યા છે, અથવા તો નજરકેદ કરવામાં આવ્યા છે. પરંતુ સુરતમાં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સુરતના મોટા ભાગના કોર્પોરેટરો હાલ ગાંધીનગર ખાતે છે. પરંતુ જે કોર્પોરેટરો સુરતમાં છે, તેમજ અન્ય નેતાઓ આમ આદમી પાર્ટીના જે શહેરમાં છે તેમને પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી નથી અને નજરકેદ પણ કરવામાં આવ્યા નથી. જેને લઇને પણ શહેરની અંદર ચર્ચા શરૂ થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો છે, તે તમામ અત્યારે પોતાની રીતે અલગ-અલગ કાર્યક્રમમાં વ્યસ્ત છે. પરંતુ પોલીસ દ્વારા અન્ય શહેરોની માફક સુરતના આપના નેતાઓને કોઈપણ પ્રકારની કનડગત કરવામાં આવી રહી નથી.
આપની ગતિવિધિ પર નજર
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ જ સારી રીતે સમજે છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓ જે સુરતમાં છે. તેમને જ હેરાન કરવામાં આવે તો સુરત શહેરની અંદર સ્થિતિ બગડી શકે છે. આમ આદમી પાર્ટીનું સંગઠન રાજ્યના અન્ય શહેરો કરતાં સુરત શહેરમાં ખૂબ જ સારું છે. આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં વિરોધ પક્ષમાં હોવાને કારણે પાટીદાર વિસ્તારોમાં હજી પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત જોવા મળી રહ્યું છે. જો ભારતીય જનતા પાર્ટીના નેતાના ઈશારે પોલીસ સહિતના નેતાઓને નજર કેદ કરે કે અટકાયત કરે તો તે વધુ સ્થિતિ બગડી શકે છે. ભાજપના નેતાઓ એવું નથી ઈચ્છતા કે, સુરત શહેર પણ રાજ્યભરમાં ચર્ચામાં આવે. તેની ખાસ તકેદારી રાખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુરત શહેરની આમ આદમી પાર્ટીની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખીને બેઠા છે.
આપ કાર્યક્રમ આપે તેવી વકી
આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓ દ્વારા આજે કમલમ ખાતે થયેલા આમ આદમી પાર્ટી પરમ દમનને લઈને કોઈ કાર્યક્રમ આપી શકે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહીને કમલમ ખાતે થયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાઠીચાર્જ થયા બાદ ગર્ભિત રોષ જોવા મળી રહ્યો છે. કમલમ ખાતે થયેલી ઘટનાના પડઘા સુરતમાં પડી શકે તેવી પૂર્ણ શક્યતાઓને જોતા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પોલીસ પણ ખાસ નજર રાખીને બેઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.