• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Detention Of 5 Persons From Bharuch In Connection With Death Of 6 Innocents, Crime Branch Starts Intensive Interrogation

સુરત સચિન GIDC દુર્ઘટના:4 આરોપીની ધરપકડ, રૂપિયા કમાવવાની લાલચમાં 6નો જીવ લીધો, મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલ કંપની સુધી તપાસનો રેલો પહોંચ્યો

સુરત11 દિવસ પહેલા
સુરત ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ એલસીબી અને વડોદરા પોલીસની મદદથી 4 આરોપીઓની ધરપકડ કરી.
  • સુરતમાં ઝેરી કેમિકલ વેસ્ટના નિકાલ દરમિયાન થયેલી હોનારતમાં 6 કારીગરોના મોત થયા હતા

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ વેસ્ટ નિકાલ સમયે બનેલી કરુણાંતિકામાં ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલ કંપનીએ કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા વડોદરાના આશિષ ગુપ્તાને કામ સોંપ્યું હતું. સચિન જીઆઈડસીમાં બનેલી અતિગંભીર ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

પૂરેપૂરો પ્રોફિટ મેળવવાની લાલચમાં 6 લોકોના જીવ લઈ લીધા
ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ એલસીબી અને વડોદરા પોલીસની મદદથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ જે કેમિકલ છે તે ગુજરાતમાં ટેક્સટાઈલ અને સિમેન્ટ બનાવતી કંપનીઓને આપવામાં આવતું હોય છે. કંપની પાસેથી એક લિટરના રૂપિયા 14 ચૂકવવામાં આવે છે. એક કન્ટેનરમાં અંદાજે 25 હજાર લિટર કેમિકલ હતું. જેની કિંમત રૂ. 3.5 લાખ જેટલી થાય છે. પૂરેપૂરો પ્રોફિટ મેળવવાની લાલચમાં આ ઈસમોએ 6 લોકોના જીવ લઈ લીધા છે. પ્રેમ ગુપ્તા દ્વારા જીઆઇડીસીમાં કેમિકલ ઠાલવવા માટેનું લોકેશન આપવામાં આવ્યું હતું.

કેમિકલનું ટેન્કરમાંથી નિકાલ કરતી વેળા પાસે જ આવેલ એક મિલમાં કામ કરતાં 6 કારીગરોના ગુંગળામણથી મોત નિપજ્યાં હતા.
કેમિકલનું ટેન્કરમાંથી નિકાલ કરતી વેળા પાસે જ આવેલ એક મિલમાં કામ કરતાં 6 કારીગરોના ગુંગળામણથી મોત નિપજ્યાં હતા.

કેમિકલ લાવવા માટે કોઈપણ પ્રકારનું લાઇસન્સ મળ્યું નથી
સંગમ એન્વાયરો લિમિટેડ દ્વારા સોડિયમ હાઈડ્રો સલ્ફાઈટ કેમિકલ લાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપની પાસે આ જોખમી કેમિકલ લાવવા માટે કોઈપણ પ્રકારનું લાઇસન્સ મળ્યું નથી. ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી. મુંબઈથી આ ટેન્કર લાવ્યા બાદ તેને અન્ય ટેન્કરમાં આખું કેમિકલ ટ્રાન્સફર કરીને સુરત સચીન જીઆઇડીસી ખાતે લાવવામાં આવ્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમ મુંબઈ, ભરૂચ, અંકલેશ્વર પહોંચીને ઝીણવટ ભરી તપાસ કરી રહી છે.

ટપોટપ શ્રમિકોનાં ભરનીંદરમાં જ મોત નીપજ્યાં હતાં
ટપોટપ શ્રમિકોનાં ભરનીંદરમાં જ મોત નીપજ્યાં હતાં

હોટલ ડિસન્ટ ખાતે કેમિકલ વેસ્ટ ટ્રાન્સફર કર્યું હતું
સુરતની આ દુર્ઘટનામાં મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલ કંપની સુધી તપાસનો રેલો પહોંચ્યો છે, કંપીનાના સંચાલકોએ 14 રૂપિયે એક લિટરના ભાવે વડોદરાના સંગમ એનવાયરો નામની કંપનીના સંચાલક આશિષ ગુપ્તાને કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાની કામગીરી સોંપી હતી. આશિષ ગુપ્તાએ ભરૂચ અને અંકલેશ્વરના જયપરતાપ અને વિશાલ ઉર્ફે છોટુને કામ સોંપ્યું હતું. આ બન્ને આરોપીઓએ અંકલેશ્વર નજીક હાઇવે ઉપર આવેલી હોટલ ડિસન્ટ ખાતે મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલમાંથી આવેલું કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર સચિન જીઆઈડીમાં દુર્ઘટનામાં જવાબદાર ટેન્કર ( GJ-6-ZZ-6221)માં કેમિકલ વેસ્ટ ટ્રાન્સફર કર્યું હતું અને ડ્રાયવર સુરેન્દ્રસિંહ મારફત સુરત સચિન મોકલી આપ્યું હતું.

મુંબઈ વિકોલ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે એક ટીમ દ્વારા તપાસ
સચિનમાં પ્રેમ ગુપ્તાએ પાયલોટિંગ કરી આ ટેન્કરને સચિન જીઆઈડીસીમાં ખાલી કરવાની જગ્યા બતાવી હતી. મુંબઈ વિકોલ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે પણ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હાલ તપાસ કરી રહી છે. સાથે સાથે અન્ય સ્થળ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જે કેમિકલ સચિનની વિશ્વ પ્રેમ ડાઈંગ નજીક ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું તે કેમિકલ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

સ્થાનિકો જોળી કરીને તમામને સારવાર માટે લઈ ગયા હતા
સ્થાનિકો જોળી કરીને તમામને સારવાર માટે લઈ ગયા હતા

પકડાયેલા આરોપીઓ

  • આરોપી પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા- આરોપી પ્રેમસાગર ગુપ્તા સચીન શીવનગર સોસાયટીમાં બાબા મહેન્દ્રનાથ રોડલાઇન્સના નામથી છેલ્લા પાંચ વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. હાલમાં તેની પાસે બે ટ્રક છે. પ્રેમસાગર ગુપ્તા ધોરણ- 07 સુધી ભણેલ છે. છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહે છે. 2009માં પ્રોહીબીશન તથા 2016માં જુગારધામ તથા નેગોશિયબલ એક્ટ મુજબના ગુના નોંધાયેલ છે.
  • આરોપી આશિષકુમાર દુધનાથ ગુપ્તા ધોરણ-8 સુધી ભણેલ છે. તથા સ્વેતા ટ્રાન્સપોર્ટના નામથી રણોલી વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવે છે.
  • આરોપી જયપ્રતાપ રામકિશોર તોમર ચારેક મહીનાથી અંકલેશ્વર સ્ટેશનરોડ ઓમકાર શોપિંગ સેન્ટર-2માં યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેણે એસ.વાય.બી.કોમ સુધી એમ.એસ.યુનિવર્સિટી વડોદરા ખાતે અભ્યાસ કરેલ છે.
  • આરોપી વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવ અંકલેશ્વર GIDC પ્રણામા ચોકડી કન્ટીનર-8 ખાતે શ્રી સાંઇ બોડી બિલ્ડરના નામથી ગેરેજ ચલાવે છે. ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો છે.

મોડી રાત્રે કેમિકલ ઠાલવવામાં છે
સચિન જીઆઇડીસી વિસ્તારમાં અન્ય શહેરોમાંથી ઝેરી કેમિકલ ગેરકાયદે રીતે ઠાલવવાનું રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે. રાત્રિના સમયે કેમિકલ ટેન્કર મારફત બહારથી લાવીને ઠાલવવાની મોડસ ઓપરેન્ડી ચાલે છે. ગંદા અને ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટના ઘણા સમયથી ચાલી રહી છે. એમ છતાં પોલીસ સહિતના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ કોઈ એકાદ દિવસની ઘટના નથી. સમયાંતરે આ પ્રકારના ગેરકાયદે કેમિકલ ઠાલવવાનું સામે આવતું હોય છે અને એને કારણે અનેક મુશ્કેલીઓ પણ ઊભી થતી રહે છે.