મામલતદારની ટીમના દરોડા:હાઇકોર્ટનો સ્ટે છતાં જિંગા ઉછેરતા ખજોદનાં 28 તળાવ બંધ કરાવાયાં

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવો પાક લેવાની તૈયારી વચ્ચે મામલતદારની ટીમના દરોડા
  • એરેટર​​​​​​​, મોટર, વાયરો, કેબલ સહિતનાં સાધનો કબજે લેવાયાં

ખજોદમાં સરકારી જમીન પર આવેલા જિંગા તળાવોના ચાલી રહેલા વિવાદમાં હાઇકોર્ટનો હુકમ યથાવત્ સ્થિતિમાં રાખવાનો હોવા છતાં જિંગા ઉછેર માટેની તૈયારી કરી રહેલા 28 તળાવોનાં સાધનો મામલતદારે કબજે લીધા છે.

મળતી વિગતો અનુસાર, શહેરના છેવાડે આવેલા ખજોદ ગામમાં ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદે જિંગા તળાવો બનાવી દબાણ કરી દીધાં છે અને આ તળાવોમાં જિંગાનો પાક લેવાઇ રહ્યો છે.

તત્કાલિન કલેક્ટરે આ જિંગા તળાવો તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતા જિંગા ઉછેર કરનારાઓ હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે જિંગા તળાવ તોડવાની કાર્યવાહી હાલ પૂરતી અટકાવી દઇ તળાવોને જે તે સ્થિતિમાં રાખવાનો સ્ટે હુકમ આપ્યો હતો.

ડ્રીમ સિટીની પાછળ જ વેપલો ચાલતો હતો
હાઇકોર્ટનો સ્ટેનો આદેશ હોવા છતાં આ વિવાદી તળાવોમાં હાલમાં નવો પાક લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની જાણ થતાં મજૂરા મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ડ્રીમ સિટીની પાછળ સર્વે નં. 177વાળી જમીન પર પહોંચી 28 જિંગા તળાવ બંધ કરાવી દીધા હતા. ઉપરાંત એરેટર, મોટર, વાયરો, કેબલ સહિતના સાધનો કબજે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...