પે એન્ડ પાર્ક કૌભાંડ:સુરતમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ પૂર્ણ છતાં VIP રોડ પર ઉઘરાણાં પાલિકાને રિન્યૂની કે ટેન્ડર મૂકવાની ફુરસદ નથી

સુરતએક મહિનો પહેલાલેખક: પ્રજ્ઞેશ પારેખ
  • કૉપી લિંક
  • ભાસ્કરના પત્રકારોને જોઈ બાલાજી એન્ટરપ્રાઈઝના માણસો ભાગી ગયા
  • પાલિકા ધૃતરાષ્ટ્ર વાહનધારકો સાથે 9 દિવસથી ઉઘાડી લૂંટ
  • I-કાર્ડ પર બાલાજી એન્ટરપ્રાઈઝ સાથે પાલિકાનો લોગો, દુકાનદારો પાસેથી ઉચ્ચક 500-1000 ઉસેટી રસીદ અપાતી નથી

પાલિકા પે એન્ડ પાર્કના ઈજારા આપે છે. જોકે, કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા છતાં લોકો પાસે નાણાં ઉઘરાવી કેટલાક કોન્ટ્રાક્ટરો પાલિકાને લાખોનો ચૂનો ચોપડી રહ્યા છે. આવી વધુ એક ગેરરીતિનો દિવ્ય ભાસ્કરે ભાંડો ફોડ્યો છે. VIP રોડ પર VIP પ્લાઝાથી ગેલ કોલોની સુધીનો ઈજારો પૂર્ણ થવા છતાં ઉઘરાણા થઈ રહ્યાં છે. ડુમસ રોડ VR મોલ પાસે તો બેરિકેટ મૂકી વસુલી થઈ રહી છે.

ઝોનના અધિકારીઓ સ્થાયીના આદેશને ઘોળીને પી ગયા
ઝોનના અધિકારીઓ સ્થાયીના આદેશને ઘોળીને પી ગયા

પાલિકાનો સંપર્ક કરતા આ શખ્સો છૂ થઈ ગયા હતા
​​​​​​​
ભાસ્કરની ટીમે સ્થળ તપાસ કરતાં આ ઇજારો 29 ઓગસ્ટે જ પૂર્ણ થઈ ગયો હોવાનું ખૂલ્યું હતું. માણસોના આઈ કાર્ડ પર પાલિકાનો લોગો પણ હતો. ટીમે પોલીસ-પાલિકાનો સંપર્ક કરતા આ શખ્સો છૂ થઈ ગયા હતા. ખાટુશ્યામ મંદિરથી ગેલ કોલોની સુધીનો ઈજારો 26 ઓક્ટોબરથી સોંપાયો હતો. જો કે, 6 મહિના પૂર્ણ થઈ ગયા હતા. વેસુ VIP પ્લાઝાના દુકાનદારો પાસે 500થી 1000 રૂપિયા લમસમ વસુલી રસીદ સુદ્ધાં અપાતી ન હતી. આ ઈજારો પૂર્ણ થઈ ભીંસ વધતાં ઈજારદારે VR મોલ પાસે વેપલો શરૂ કર્યો છે.

ઝોનના અધિકારીઓ સ્થાયીના આદેશને ઘોળીને પી ગયા
29 ઓગસ્ટે બાલાજી એન્ટર પ્રાઈઝનો ઈજારો પૂર્ણ થવા છતાં ટેન્ડરો બહાર પડાયા નથી કે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો નથી. ઇજારો પૂર્ણ થવાના મહિના દોઢ મહિના પહેલાં જ ટેન્ડર બહાર પાડવા સ્થાયીનો આદેશ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે.

આવું તો બધે જ ચાલે છે : કોન્ટ્રાક્ટર અંકિતે જણાવ્યું કે, આ બેરીકેડ પોલીસે મુક્યા છે. પાલિકાએ મંજૂરી આપી છે. કોન્ટ્રાક્ટ ચાલુ છે. આવું તો બધે જ ચાલે છે. રાહૂલ રાજ મોલ, વીઆઈપી રોડ પર પણ ચાલે જ છે.

આ રીતે પાલિકાના લોગોનો ઉપયોગ સદંતર ગેરકાયદે છે
બાલાજી એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ 29 ઓગસ્ટે પૂર્ણ થઈ ગયો છે. જેથી પાર્કિંગ ચાર્જ વસુલાતા હોય તો કાર્યવાહી કરી શકાય છે. સ્થળ પર ઈજારદારના માણસો પાલિકાના લોગોનો ઉપયોગ કરતા હોય તો તે ગેરકાયદે ગણાય. - ઐમાન શેખ, એએલઓ, અઠવા ઝોન

હજુ ચાર્જ વસૂલાતા હોય તો કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે
બાલાજીનો કોન્ટ્રાક્ટ ગયા મહિને જ પૂર્ણ થઈ ગયો છે. ઝોનમાં ટેન્ડર અંગે કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે ખ્યાલ નથી. હજુ પણ ચાર્જ લેવાતા હોય તો કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે. - જે.સી. ગાંધી, આસી.કમિશનર, અઠવા

અન્ય સમાચારો પણ છે...