સ્થાનિકોમાં રોષ:સુરતમાં પાલનપુર ગામના 400 વર્ષ જૂના તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડાતાં ગંદકી થતી હોવાની ફરિયાદ છતાં પણ કોઇ કામગીરી નહીં

સુરતએક મહિનો પહેલા
સીધી ડ્રેનેજની લાઈન જાણે તળાવમાં છોડી દીધી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
  • ડ્રેનેજનું પાણી સીધું તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાથી લોકોમાં રોષ

સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા લેક ગાર્ડનની સ્થિતિ દયનીય બની રહી છે. ગાર્ડનમાં મુકાયેલા સાધનો જર્જરિત થઇ ગયા છે પરંતુ તેનાથી પણ વધુ લોકોને જે મુશ્કેલી થઈ રહી છે એ ડ્રેનેજના પાણીની છે. ડ્રેનેજનું પાણી સીધું તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે તેના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ તે ન કરાતા સીધી ડ્રેનેજની લાઈન જાણે તળાવમાં છોડી દીધી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી
સ્માર્ટ સિટી સુરતમાં ડ્રેનેજ વ્યવસ્થા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે અને તળાવોના રીડેવલપમેન્ટ નામે પણ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરને ટેન્ડરિંગ થઈ રહ્યા છે. પરંતુ મહત્વની બાબત એ છે કે ગટરનું ગંદુ પાણી ઐતિહાસિક તળાવની અંદર જો ઠલવાતું હોય તો કોર્પોરેશનને કામગીરી સામે સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે. તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી સતત આવતા સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી રહી છે. પાલનપુર ગામ વોર્ડ નંબર 10ના રહેવાસીઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

રોગચાળો ફેલાવાની પૂર્ણ શક્યતાઓ
સ્થાનિક મહેશ પટેલે જણાવ્યું કે સ્થાનિક લોકોને દહેશત છે કે આ પ્રકારે ડ્રેનેજનું પાણી જો સતત તળાવમાં ઠલવાતું રહેશે તો અહીં રોગચાળો ફેલાવાની પૂર્ણ શક્યતાઓ છે. મચ્છરોનો ઉપદ્રવ આ વિસ્તારમાં વધી શકે છે અને તેના કારણે આગામી દિવસોમાં રોગચાળો ફેલાય તો તેના માટે જવાબદાર કોણ એ પ્રકારે સ્થાનિક લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ડ્રેનેજનું પાણી સીધું તળાવમાં જતું હોય એ નરી આંખે આપણે જોઈ શકતા હોય તો પણ જો અધિકારીઓ કામ ન કરે તો હવે એ બાબતે આપણે શું કહેવું તે સમજાતું નથી.

ગટરનું ગંદુ પાણી ઐતિહાસિક તળાવની અંદર જો ઠલવાતું હોય તો કોર્પોરેશનને કામગીરી સામે સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય.
ગટરનું ગંદુ પાણી ઐતિહાસિક તળાવની અંદર જો ઠલવાતું હોય તો કોર્પોરેશનને કામગીરી સામે સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય.

પંપીંગ સ્ટેશન તૈયાર નથી થયું એના કારણે આ પ્રકારની સ્થિતિ
કોર્પોરેશનના અધિકારીએ ભૈરવ દેસાઈ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે જણાવ્યું કે આ બધી બાબતે ખૂબ લાંબા ગાળાનું આયોજન થતું હોય છે. સ્થાનિક લેવલે પણ તેનો મેન્ટેનન્સ કરવું જરૂરી છે. જો ખાળકૂવા ભરાઈ ગયા હોય અને તે વપરાય તો સ્વાભાવિક રીતે એ ગંદુ પાણીનો નિકાલ ક્યાં થાય. અધિકારીઓની આ કામગીરી છે મને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ મેં એમને કહ્યું છે કે તમારા અધિકારીઓને આ બાબતે તમે વાત કરો. એ વિસ્તારમાં હજી પંપીંગ સ્ટેશન તૈયાર નથી થયું એના કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઇ રહી છે.