નિર્ણય:પૂરનો ખતરો દુર કરવા ડિઝાઇનમાં ફેરફાર, રૂંઢ-ભાઠા બેરેજની ડિસ્ચાર્જ ક્ષમતા 10થી 13 લાખ ક્યુસેક કરાશે

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2006ની પૂરની સ્થિતી તેમજ 25 વર્ષના ફ્લડને ધ્યાને લઇને નિર્ણય લેવાયો
  • કોસ્ટ 500 કરોડથી વધી 600 કરોડ થવાની સંભાવના, પાલિકા ફરી નવી ઓફર મંગાવશે

સુરત શહેર માટે મહત્વાકાંક્ષી ગણાતા તાપી નદી ઉપરના રૂંઢ અને ભાઠા વચ્ચે સાકાર થનાર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવનાર છે. જેથી સમગ્ર પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા રિવાઇઝડ કરવામાં આવશે. પહેલા 10 લાખ ક્યુસેક ફલડની કેપેસીટીમાં સુરત શહેર સલામત રહે તેને ધ્યાનમાં રાખીને બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. હવે ડિઝાઇન ફેરફાર કરીને 13 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડ (3,68,12,100 લિટર) કરાશે. જેથી 13 લાખ ક્યુસેક પાણી ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવે તો પૂરની સ્થિતિ શહેરને રક્ષણ મળશે. પાછલા 100 વર્ષના વરસાદના આંકડા અને 25 વર્ષના ફલડને ધ્યાનમાં રાખીને બેરેજની ફલડ કેપેસીટી વધારવામાં આવી છે. જેના કારણે બેરેજમાં ડિસ્ચાર્જ માટેના ગેટની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે.

હાલમાં ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા 504 કરોડના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ કોસ્ટ અંદાજે 50થી 100 કરોડ રૂપિયા વધી શકે છે. આગામી દિવસમાં પાલિકા નવેસરથી પ્રોજેક્ટ માટે ઓફર મંગાવશે. પહેલીવાર ટેન્ડર બહાર પાડી પ્રોજેક્ટ માટે ઓફર મંગાવતા 3 એજન્સીએ રસ દાખવ્યો હતો. જો કે પ્રાઇસબીડ ખોલવામાં આવી ન હતી. હવે ડિઝાઇનમાં ફેરફાર થતાં નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે.હાલના વિયર કમ કોઝવેથી રૂંઢ પાસેના આ બેરેજને લીધે તાપીનદીમાં 10 કિલોમીટર લાંબુ જળાશય તૈયાર થશે સાથે પાલ અને ભાઠા વચ્ચેથી તાપીનદીની સામેના છેડે રાહુલરાજ મોલની સાથેના રોડને જોડતો ઓવરબ્રિજ પણ બનશે.

2006માં 9.61 લાખ ક્યુસેક પાણી છોડાતા શહેરમાં પૂર આવ્યું હતું
વર્ષ 2006ના પૂરમાં ઉકાઇ ડેમમાં ઇનફલો 12.71 લાખ ક્યુસેક સુધી પહોંચી ગયો હતો. જેથી 9.61 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતાં સુરતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હતું. જેથી બેરેજની ડિઝાઇનમાં 2006ની સ્થિતીને ધ્યાને લેવાઇ છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાય તે સુરત આવતાની સાથે જ સુરત વચ્ચે 100 કિલોમીટર એરિયામાં વરસાદના કારણે ડિસ્ચાર્જ વધી જતો હોઇ છે. આ તમામ પેરામીટર પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત સિંચાઇ વિભાગ કોઝવેના ડાઉનસ્ટ્રીમમાં અડાજણ-પાલના તટને દરિયાનો પટ માનીને ત્યાં હજુ સુધી પાળાનું કામ પૂર્ણ કર્યું નથી. તે બાબતને ધ્યાનમાં રાખી ડિસ્ચાર્જ કેપેસીટી વધારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...