દબાણો દૂર કરાયા:સુરતના કતારગામમા રસ્તા ઉપર ઉભા કરી દેવાયેલા તબેલા, દુકાનો અને ઝૂંપડાનું ડિમોલેશન કરાયું

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્તા પરના દબાણો દૂર કરીને જગ્યા ખાલી કરવામાં આવી હતી. - Divya Bhaskar
રસ્તા પરના દબાણો દૂર કરીને જગ્યા ખાલી કરવામાં આવી હતી.
  • અગાઉ દબાણો હટાવાયા બાદ ફરી દબાણો ઉભા થઈ ગયા હતા

સુરતના કતારગામ વિસ્તારમાં ભૂમિપાર્ક સોસાયટીને અડીને આવેલા વાય જંક્શન શ્રી બાલાજી નગર સોસાયટી, ડભોલી સુધીનાં 24.00 મી. નાં રસ્તામાં નડતરરૂપ આશરે 15 તબેલાઓ તેમજ 5 દુકાનો અને ઝૂપડાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રોડને નડતરરૂપ દબાણ અગાઉ દૂર કરવામાં આવ્યું હતું. રસ્તાનાં 12મીટર નો રસ્તો બનાવવામાં આવ્યો હતો. તબેલાનાં મિલ્કતદારો દ્વારા ફરીથી તબેલાનું દબાણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા માર્શલો સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

રસ્તો ખુલ્લો કરાયો
ડભોલી-જહાંગીરપુરા બ્રિજનાં ડભોલી તરફનાં છેડાથી કતારગામ ઝોનમાં આવવા જવા માટે વાહન ચાલકો ધ્વારા મહદ્અંશે સદર રસ્તાનો ઉપયોગ થતો હતો. વધુ પડતા ટ્રાફિક ભારણને કારણે રસ્તો પુરેપુરી પહોળાઇમાં બનાવવો અતિ આવશ્યક હતો.તેથી 24 મીટરનાં રસ્તામાં આવતાં દબાણો દૂર કરી આશરે 170 મીટર લંબાઇમાં રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક અસરથી રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે .

જૂની સમસ્યાનું નિરાકરણ
મનપાના અધિકારી એન. ઝેડ ગણેશવાલા જણાવ્યું કે, ડભોલીથી કતારગામ તરફ આવતાં જતાં તમામ રાહદારીઓ તેમજ વાહન ચાલકોની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાની ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. અગાઉ પણ અમારા દ્વારા દબાણ દૂર કરાયું હતું પરંતુ સ્થાનિકો દ્વારા ફરીથી તબેલા અને ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. જોકે આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ કામગીરી પૂર્ણ થઇ છે. કોઈપણ પ્રકારના સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કર્યા વગર દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી.