સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનમાં મોરા ભાગળના રોડ નજીક આવેલા ઝૂપડાનું આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન હાથ ધરાયું હતું. બે દિવસ પહેલા પાલિકા તંત્ર આ ઝૂપડાનું ડિમોલીશન કરવા પહોંચી ત્યારે ભારે વિરોધ કરવામા આવતા ડિમોલીશનની કામગીરી અટકાવી દીધી હતી. આજે ફરીથી ઘર્ષણ ન થાય તે માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોનો વિરોધ વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલી હતી.લોકોએ કહ્યું કે, અગાઉ અમને લેખિતમાં અપાયેલું કે તમારા ઘર દૂર નહી કરાય છતાં અમને ઘર વિહોણા કરાયા છે.
વિરોધ વચ્ચે ડિમોલીશન
પાલિકાના રાંદેર ઝોનમાં મોરા ભાગળ ખાતે વર્ષોથી નડતર રૂપ કાચા-પાકા 15થી 20 ઝૂપડા આવ્યા છે. આ ઝૂપડાને દૂર કરવા માટે પાલિકાએ અગાઉ કામગીરી કરી હતી. પરંતુ લોકોના વિરોધના કારણે કામગીરી અટકી પડી હતી. બે દિવસ પહેલાં પણ પાલિકાએ ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી પરંતુ પાલિકાની ટીમ સામે સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં ડિમોલીશનની કામગીરી પડતી મુકવામાં આવી હતી. ઝૂપડા વાળા સ્ટે લાવી શકે તેવી શક્યતા હોવાથી પાલિકા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝૂપડાના ડિમોલીશન કરવા માટે પહોંચી ગઈ હતી.પાલિકા કામગીરી કરે તે પહેલાં જ સ્થાનિકોએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. પરંતુ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી વધુ વિરાધ થયો નહોતો. સ્થાનિકોનો વિરોધ વચ્ચે પાલિકાએ ડિમોલીશનની કામગીરી હાથ ધરી છે.
અધિકારીઓએ ભરોસો આપેલો-સ્થાનિક
સ્થાનિક મુન્નાભાઈએ જણાવ્યું કે, અગાઉ પણ ડિમોલીશનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ અમે વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ રાંદેર ઝોનના અધિકારીને રૂબરૂ મળવા ગયા હતા. જ્યાં રાંદેર ઝોનના અધિકારી સી.બી વસાવાએ જણાવ્યું હતું કે, હવે તમારા ઝૂપડા દૂર નહીં થાય. છતાં પણ આજે અમને જાણ કર્યા વગર અહીં ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે રાંદેર ઝોનના અધિકારી સી. બી. વસાવાને હકીકત જાણવા માટે દિવ્યભાસ્કર ટેલિફોનિક સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ અધિકારીનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. જ્યારે તેમને ફોન લાગ્યો ત્યારે તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.