સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સમયની અંદર 53મો ખાસ પદવીદાન સમારોહ યોજવા જઈ રહ્યો છે. તેમાં જે ફી નિર્ધારિત કરવામાં આવી છે. તે ફી ગત વર્ષ કરતાં ઘણી વધુ છે. ગત વર્ષે જે પદવી 225 રૂપિયામાં વિદ્યાર્થીઓને મળતી હતી. તે પદવી આ વર્ષે ભાવ વધારીને 250 રૂપિયા કરવામાં આવ્યા છે.જેથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફી વધારો પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે.
આકરો વધારો
યુનિવર્સિટીની ફોલ્ડર વાળી પદવી 400 રૂપિયામાં મળતી હતી. તેના ભાવ વધારીને 600 રૂપિયા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને જે પદવી ઘરે મોકલવામાં આવતી હતી. તેના 600 રૂપિયામાંથી વધારીને 750 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.જેથી તમામ વિદ્યાર્થીઓને ફી વધારો મોઘવારીમાં આકરો પડી શકે તેમ હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
કમાણી કરવાનું સાધન બનાવાયું-વિદ્યાર્થી
યુવા છાત્ર સંઘર્ષ સમિતિના મહામંત્રી વિવેક પાટોડીયાએ જણાવ્યું કે, ફી વધારો એ યોગ્ય નથી કારણ કે, આ ફી વધારો કરીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી કમાણી કરતી હોય એવું લાગે છે. આવા ખોટા કાર્યો થતાં અટકાવવા માટે અને પૈસાની દોટમાં અંધ બનેલા સતાધીશોને સાચા રસ્તે દોરી લાવવા માટે આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આ ફી વધારાનો નિર્ણય પરત લેવામાં આવે તે માટે આવેદન આપવામાં આવે છે. સાથે સાથે આ નિર્ણય પરત ખેંચવા માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને 3 દિવસનો સમય આપવામાં આવે છે. જો આ સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.