વિમાન જમીન પર અને ભાડા આસમાને:એરપોર્ટ એક્સપાન્સનમાં વિલંબ, નોટમ અને ફેઅર કૅપ દૂર કરાતાં વિમાનનાં ભાડાં 3 ગણાં થયાં, દિલ્હીથી સુરતના 23 હજાર સુધી વધ્યાં

સુરત4 મહિનો પહેલાલેખક: લવકુશ મિશ્રા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોરોના બાદ ફ્લાઇટની સંખ્યા 52 પરથી 24 પર આવી ગઈ, હજુ 2 ફ્લાઇટ રદ થઈ શકે
  • સુરતીઓની મજબૂરીનો ગેરલાભ, નાથશે કોણ?

નરેશ પરમાર
જો તમારે 14મીએ દિલ્હીથી સુરત આવવું હોય તો એર ઈન્ડિયાનું હવાઈ ભાડું 20500 અને ઈન્ડિગોનું 23 હજાર છે. આના અડધા ભાડામાં 15મીએ સુરતથી શારજાહ જઈ શકો છો. શહેરના કેટલાક બિલ્ડરો અને સરકારી અધિકારીઓએ રનવેના ઉપયોગ પર જે કાતર ફેરવી છે તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.

એરપોર્ટના વિકાસના કામો 2021ની જગ્યાએ 2023માં પૂર્ણ થશે કે કેમ તે અંગે શંકા છે. ડુમસ તરફ મોટો રનવે મળતો હતો, પરંતુ તાજેતરમાં તેનો ઉપયોગ ઘટાડાયો છે, જેથી લેન્ડિંગ-ટેકઓફનો ખર્ચ વધી ગયો છે. કોરોના સમયના ફેઅર કેપ હટાવાતાં સુરતને ઘણું નુકસાન થયું છે.

અને ઈજારાશાહીના કારણે 3 ગણું વધુ ભાડું ચૂકવીને પણ સીટ મળતી નથી. બે વર્ષ પહેલાં 54 ફ્લાઈટ્સ હતી જે હવે 24 થઈ ગઈ છે. આ ઉપરાંત ફ્લાઇટ લેન્ડ કરાવતી ILSની ઊંચાઈ વધારવી પડશે અને તેતી એરલાઈન્સ હજુ પણ ફ્લાઈટ્સ ઘટાડી શકે એવી વકી છે.

આ 4 કારણોથી સુરતીઓનો કચ્ચરઘાણ નિકળી ગયો
​​​​​​​1 ફેઅર કૅપ : કોરોનામાં સરકારે લગામ કસીને એરલાઇન્સ માટે મર્યાદા (ફેઅર કૅપ) નક્કી કરી હતી કે, 40 મિનિટથી ઓછી ઉડાન માટે 2900થી 8800 સુધી જ ભાડાં વસૂલી શકાશે. જો કે, ઓગસ્ટથી આ મર્યાદા દૂર કરાતાં સુરતમાં ભાડા તફાવત જોવા મળ્યો. ઈન્ડિગોનું દિલ્હીનું ભાડું 25 હજારને પાર છે. ઈન્ડિગો પાસે મોટાં શહેરોને જોડવાના વિકલ્પો છે, જેથી યાત્રીની મજબૂરી જોતાં તગડાં ભાડાં વસૂલાઈ રહ્યા છે.

2 પાર્કિંગ સમસ્યા: હાલમાં એરપોર્ટ પર પ્લેનના નાઇટ પાર્કિંગની સૌથી મોટી સમસ્યા છે. આમ તો, 5 નવા પાર્કિંગ સ્ટેન્ડ તૈયાર થઈ ગયા છે પરંતુ નિરીક્ષણ કરવા છતાં પણ DGCAની મંજૂરી મળી નથી. જેને કારણે ઘમીવાર છેલ્લી ફ્લાઇટ મુસાફરો વિના જ ઉડવાની ફરજ પડે છે. આ સમસ્યા વચ્ચે ગો એર એરલાઇન્સે સુરત એરપોર્ટ પર પોતાની ત્રણેય ફ્લાઇટ બંધ કરી દીધી હતી.

3 નોટમ: નોટમ એટલે નોટિસ ટુ એર મેન. અર્થાત વિમાનના લેન્ડિંગ-ટેકઓફ પર નિયંત્રણો લદાય છે. નોટમમાં એરલાઈન્સને જાણ કરવામાં આવી છે કે રનવે -22 વેસુ એન્ડ પર સમાંતર ટેક્સી ટ્રેકને જોડવાનું કામ ચાલી રહ્યું છે, જેથી રનવે નંબર 4 પર ઉતરતા વિમાનને હવે 2905ને બદલે માત્ર 2291 મીટરનું અંતર મળશે. ટૂંકા રનવેમાં વધુ ઈંધણ બળે છે, જેથી ભાડાં વધારાયા છે.

4 ટર્મિનલ વિસ્તરણમાં વિલંબ: એરપોર્ટ પર ટર્મિનલ વિસ્તરણનું કામ પણ ચાલે છે જેની સમયમર્યાદા ફેબ્રુઆરી-2021 હતી અને અંતિમ તારીખ 31 માર્ચ-2023 છે. હાલના ટર્મિનલમાં મુસાફરોની ભીડ એકઠી થતાં પેસેન્જર અને એરલાઇન્સ વચ્ચે વિવાદ પણ સર્જાય છે, જેની અસર યાત્રીઓની સંખ્યા પર પડે છે. આ ડરને કારણે નુકસાનથી બચવા એરલાઈન્સ ફ્લાઈટના ભાડામાં વધારો કરે છે.

ક્રિસમસમાં ભાડું 30 હજાર થવાની શક્યતા
એરપોર્ટ પર હાલમાં ઈન્ડિગોનો ઈજારો હોય તેવું છે. એટલે કે એરપોર્ટ પર મોટાભાગના કનેક્ટિવિટી રૂટ ઈન્ડિગના છે. ઈન્ડિગોની દિલ્હી માટે સુરત એરપોર્ટ પર 2 ફ્લાઈટ છે. પરંતુ દિલ્હીથી સુરત આવવા આ ફ્લાઈટ ઘણી મોંઘી થઈ ગઈ છે. દિલ્હીથી સુરતની ફ્લાઈટ પ્રાઈમ શિડ્યૂલ એટલે કે સવાર-સાંજ છે.

આવી સ્થિતિમાં ઈન્ડિગો ઈજારાશાહીના કારણે તેનો ગેરલાભ ઉઠાવી રહી છે. માંગ વધતાં દિલ્હીથી સુરતનું ભાડું રૂ. 23000ને વટાવી ગયું છે. દિવાળીના તહેવાર પર સુરતથી દિલ્હી જતી ઈન્ડિગોનું ભાડું 28 હજારને થઇ ગયું હતું, પરંતુ આ જ મહિનામાં નાતાલના તહેવારમાં દિલ્હી સિવાય ગોવા, જયપુર, બેંગ્લોર, હૈદરાબાદ જેવા રૂટ પર પણ ભાડાં વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...