જામીન નામંજૂર:આરોપીએ બોગસ કંકોત્રી મૂકીને જામીન માંગ્યા, કોર્ટે અરજી ફગાવી

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજાના આરોપીએ પોતાના લગ્ન માટે જામીન માંગ્યા હતા
  • પિતાએ​​​​​​​ કહ્યું કે, ‘કોના લગ્ન, કોની સાથે, મને કંઈ જ ખબર નથી ’

ગાંજાના કેસમાં પકડાયેલા આરોપી દ્વારા જેલમાં ગયા બાદ પોતાના લગ્ન છે એમ કહીને 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. પોલીસે લગ્નની ખરાઇ અંગે જ્યારે આરોપીના પિતાનું સ્ટેટમેન્ટ લીધુ તો તેણે આવા કોઈ લગ્ન જ ન હોવાનું જણાવ્યુ હતું. પિતાના સ્ટેટમેન્ટના આધારે કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ દલીલો કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, આરોપી મિથુન સ્વાઇ ( રહે. સરથાણા)ની પોલીસે 564 કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી. જેલમાં ગયા બાદ આરોપીએ પોતાના લગ્ન માટે કોર્ટ પાસે 15 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી અને પોતાના લગ્ન અમિતા ધીરુ ગજેરા સાથે હોવાનું જણાવી કોર્ટ સમક્ષ લગ્નની કંકોત્રી પણ રજૂ કરી હતી. અરજી આવ્યા બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી મિથુન સ્વાઈના પિતાનું નિવેદન લેતા ઘટસ્ફોટ થયો કે, આરોપીએ બોગસ કંકોત્રી મુકી જામીન માંગ્યા હતા. જેથી પોલીસે કોર્ટમાં આરોપીની અરજી નામંજૂર કરવા માટેની દલીલો કરી હતી.

માત્ર જેલમાંથી બહાર આવવા કંકોત્રી બનાવી
ગાંજાના આરોપીએ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવવા માટે કરેલી અરજીના અનુસંધાનમાં આરોપીના પિતાનું કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે અમિતાને ઓળખતો નથી. તેના પિતાને પણ ઓળખતો નથી અને આવા કોઇ લગ્ન જ નથી. માત્ર જેલમાંથી બહાર આવવા માટે આરોપીએ બોગસ કંકોત્રી રજૂ કરી હોવાનું સપાટી પર આવતા કોર્ટે વચગાળાની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...