વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંગળવારે સિન્ડિકેટની બેઠક મળશે. જેમાં માસ કોપી કેસ કરાવનારી સંખેડાની મંગલ ભારતી બીઆરએસ કોલેજનો રિપોર્ટ મૂકાશે અને તે રિપોર્ટના આધારે કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ થવાની સંભાવના છે. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, પરીક્ષા સમયે સુપ્રિટેન્ડન્ટ લાઇબ્રેરીમાં આરામ કરી રહ્યો હતો. જે મામલે પુછતા સુપ્રિટેન્ડેન્ટે તબિયત સારી ન હોવાથી આરામ કરતા હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટથી એવું પણ જાણવા મળ્યું છે કે કોલેજે પરીક્ષા સમયે સીસીટીવી પણ બંધ રાખ્યા હતા. જે મામલે આચાર્યને પુછતા તેણે કહ્યું કે વીજળી ના હોવાથી બંધ રખાયા હતા. પણ બીજી તરફ વીજકંપનીમાં તપાસ કરતા જણાયું હતું કે તે દિવસે વીજ કાપ ના હતો. ઉપરાંત સ્કવોડની ટીમ પરીક્ષા ખંડમાં પ્રવેશી કે તરત જ વિદ્યાર્થી ચંપલ કે બુટ નીચે કાપલી છુપાવી રહ્યા હતા, તો બારી પાસે બેઠેલા વિદ્યાર્થી ચોપડી બહાર ફેંકી રહ્યા હતા.
આ ઘટનાને જોતા તાત્કાલિક સુપ્રિટેન્ડન્ટ અને આચાર્યને બોલાવ્યો તો તેઓ પણ અડધો કે પોણો કલાક પછી આવ્યા હતા. આમ સ્કવોડના આ રિપોર્ટના આધાર પર ફેક્ટે પરીક્ષા કેન્દ્ર રદ કરવા માટે સિન્ડિકેટને ભલામણ કરી છે. તે સાથે માસ કોપી કેસ કરતા 30 વિદ્યાર્થીઓના પરિણામ પણ રદ કરવા તથા સુપ્રિટેન્ડન્ટ અને આચાર્ય સામે પણ કડક કાર્યવાહી કરવા માટે સિન્ડિકેટને ભલામણ કરી છે. સિન્ડિકેટમાં ફેક્ટના અન્ય પણ રિપોર્ટ મૂકાયા છે. જેમાં ઉત્તરવહીના પાના ફાડવા અને બોલપેનની સહીનો કલર બદલવા તેમજ વિદ્યાર્થીઓને સજા આપવાની પણ બાબત મૂકાઇ છે.
RTPCR મામલે 20 લાખ ખર્ચવા પડશે
યુનિવર્સિટી આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરવા જઈ રહી છે. પણ તે શરૂ કરતા પહેલાં રૂ. 20 લાખથી વધુનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી તે ખર્ચ મામલે શું કરવું તેનો નિર્ણય પણ મંગળવારની સિન્ડિકેટમાં લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.