સુરતમાં મોતનું તાંડવ થયું હતું?:કોરોનાથી સત્તાવાર 2116નાં મોત, સહાય માટેનાં દોઢ ગણા 3650 ફોર્મ ઊપડી ગયા, રોજ ફોર્મ લેવા લાગે છે લાઈન

સુરત2 મહિનો પહેલા
અલગ-અલગ ઝોનમાં નાગરિક સુવિધા કેન્દ્ર પર ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે.
  • ડેથ સર્ટિફિકેટ ઉપર કોરોના સસ્પેક્ટેડ લખવામાં આવ્યું છે તેને સહાય મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન

કોરોના સંક્રમણ દરમિયાન પહેલા અને બીજા તબક્કામાં જે પ્રકારે મોતનું તાંડવ થયું હતું અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ચારે તરફ લોકો કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોતને ભેટ્યા હતા. કોરોના સંક્રમણની બીજી લહેર વખતે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. કોરોના સંક્રમણને કારણે મોતને ભેટેલા આંકડાને સરકાર દ્વારા છુપાવવામાં આવતાં હોવાની બુમરાળ ચારેતરફથી ઉઠવા પામી હતી. કોરોનાને કારણે મોત થયા હોવા છતાં પણ સરકાર દ્વારા તેને છુપાવવામાં આવ્યો હોવાની રાવ ઊભી થઈ હતી. હવે કેન્દ્ર સરકારે મૃતકોના સ્વજનો અને રૂ. 50000 સુધીની આર્થિક સહાયની જાહેરાત કરતા ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કોરાનાથી સત્તાવાર 2116 લોકોના મોત થયા છે. જ્યારે સહાય માટેનાં દોઢ ગણા 3650 ફોર્મ ઊપડી ગયા છે.

9 દિવસમાં 3650 ફોર્મ વિતરણ થયા
સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે કોરોના સંક્રમણમાં મૃત્યુ પામેલા પરિવારોને આર્થિક સહાય માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ફોર્મ ભરીને જે તે ઝોનમાં આપવાનું રહેશે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે 15 તારીખથી ફોર્મ વિતરણ શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર 3200 અને સુરત ગ્રામ્માં 450 જેટલાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોનો આંક તંત્રના ચોપડે માત્ર 2116 જેટલો નોંધાયો છે. બીજી તરફ સહાય માટેના ફોર્મ 3650 વેચાયા છે અને હજુ પણ તે પ્રક્રિયા શરૂ રહેવાની છે.

ફોર્મ લેવા માટે રોજ લાઈનો લાગે છે.
ફોર્મ લેવા માટે રોજ લાઈનો લાગે છે.

મોતના કારણે લઈને એક કમિટી બનાવવામાં આવી
અત્યાર સુધીમાં જે પ્રકારે ફોર્મનું વિતરણ થયું છે અને તેનો જે આંક સામે આવી રહ્યો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. ઘણા ખરા ડેથ સર્ટિફિકેટ ઉપર કોરોના સસ્પેક્ટેડ લખવામાં આવ્યું છે તેને આ સહાય મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. મોતના કારણે લઈને એક કમિટી બનાવવામાં આવી છે જે ડેથ ઓફ કોઝ અંગેનો નિર્ણય લેશે. પરંતુ મહત્વની બાબત એ છે કે સરકારે જાહેરાત કરતાની સાથે જ જે રીતે ફોર્મ વિતરણ શરૂ થયું છે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો આર્થિક સહાય માટે આ ફોર્મ ભરી રહ્યા છે.

ફોર્મ ભીરને જે તે ઝોનમાં જ જમા કરાવવાનું રહેશે.
ફોર્મ ભીરને જે તે ઝોનમાં જ જમા કરાવવાનું રહેશે.

મોતનો સાંચો આંકડો બહાર આવશે?
કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં સતત વહીવટીતંત્ર દ્વારા કોરોના મૃત્યુ પામેલા લોકોનો આંક છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપો થતા હતા. હવે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થયું છે ત્યારે સ્પષ્ટ થઇ જશે કે કેટલા લોકોનું કોરોનાના કારણે મોત થયું છે. જેમના ફોર્મ ઉપર સસ્પેક્ટેડ લખવામાં આવ્યું છે તેમને જે રીતે સરકારી આંકડા છુપાવ્યા હતા તે રીતે સહાયથી વંચિત રાખવામાં આવશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. જો ફોર્મ ભરનારમાંથી મોટાભાગનાને સહાય આપશે તો સરકારે જાહેર કરેલા મૃત્યુઆંક કરતાં તેમાં મોટો તફાવત સ્વભાવિક રીતે જોવા મળશે. તેવી સ્થિતિમાં સરકાર પોતે સ્વીકારશે કે તેમણે કોરોના સંક્રમણને કારણે મોતને ભેટેલાના આંકડાઓ ખોટા જાહેર કર્યા છે.

મોટી સંખ્યામાં પરિવારજનો આર્થિક સહાય માટે ફોર્મ ભરી રહ્યા છે.
મોટી સંખ્યામાં પરિવારજનો આર્થિક સહાય માટે ફોર્મ ભરી રહ્યા છે.