કાપોદ્રાની પરિણીતાનું સરથાણાની આનંદ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ મોત નીપજતા પરિવારે ડોક્ટરો સહિતના સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.પરિવારે પેનલ પીએમની માંગ કરતા પોલીસે પેનલ પીએમ કરાવ્યુ હતું. મૃત્યુના 30 કલાકે પણ મૃતદેહ સ્વીકારાયો ન હતો.
પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પકડી હતી. મૂળ ભાવનગર-પાલીતાણા તાલુકાના વતની અને કાપોદ્રામાં મંગલદીપ અપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફિસ ચલાવે છે. તેમની પત્ની પ્રિયંકા (25)ને એપેન્ડિક્સની તકલીફ હોવાથી સરથાણાની ખાનગી હોસ્પિટલમાં 25મીએ ઓપરેશન કરાયું હતું. ત્યાર બાદ તબિયત લથડતાં તેનું મોત નીપજ્યું હતું.
પહેલા કહ્યું 30 મિનિટમાં ભાનમાં આવી જશે પણ આખરે મૃત્યુ થયું મૃતકના પતિ વિવેકે જણાવ્યું કે ઓપરેશન બાદ સ્ટાફે 30 મિનિટમાં તે ભાનમાં આવી જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ સ્ટાફે 1 કલાક પછી ભાનમાં આવી જશે તેવું કહ્યું અને ત્રીજીવાર ઉદ્ધાતાઈભર્યું વર્તન કરી 3 કલાકમાં પણ ભાનમાં આવી શકે તેવી વાતો કરી હતી.
જાણ કરવા છતાં ડોક્ટરે પ્રિયંકાને જોઈ ન હતી. ડૉક્ટર પાસે 2 વખત ગયા બાદ વિવેક અને તેમના કાકાને પ્રિયંકાનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું જણાવી દેવાયું હતું. પ્રિયંકાનું મોત વધારે પડતું ક્લોરોફોર્મ સુંઘાડવાથી થયું હોવાનું પરિવારનું માનવું છે. પોલીસે પેનલ પીએમ કરાવી FSL સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.