સીમાડા નાકા નજીક ફ્લાય ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે પસાર થતી એસટી બસના ચાલકે અફેટમાં લેતા પાસોદરાના ધો. 12ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાસોદરા ઓમ ટાઉનશિપ ખાતે રહેતા મનીષભાઈ સાવલિયા ખાનગી સ્કૂલમાં શિક્ષક છે. તેમનો 17 વર્ષીય પુત્ર જેનીલ લસકાણાની સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે સાથે પિતાને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થવા માટે નાઈટમાં હીરાના કારખાના માં કામ પણ કરતો હતો. મંગળવારે રાત્રે જેનિલ બાઈક પર કારખાને જવાં માટે નીકળ્યો હતો.
દરમિયાન સીમાડા નાકા પાસે બ્રિજ પરથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે દોડતી એક લાલ કલરની મહારાષ્ટ્ર પાસિંગની એસટી બસના ચાલકે તેને અડફેટમાં લઈ નાસી છૂટ્યો હતો. બસની અડફેટે જેનીલનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જેનિલના મોબાઈલમાંથી મળી આવેલા નંબરના આધારે કોઈક રાહદારીએ પરિવારને જાણ કરતાં પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.