પોલીસ દોડતી થઈ:સિવિલમાં તાવની સારવાર લઈ રહેલા પાંડેસરાના યુવકનું મોત

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડના કારણે મોત થયાના મેસેજ ફરતા પોલીસ દોડતી થઈ
  • 5 દિવસથી દારૂ ન મળતા યુવકની માનસિક સ્થિતી બગડી હતી

તાવની સારવાર માટે સિવિલમાં દાખલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ લઠ્ઠાકાંડની વાત વહેતી થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે લઠ્ઠાકાંડની ઘટના બાદ પાંચ દિવસથી યુવકને દારૂ ન મળતા તેની માનસીક સ્થિતી બગડી હોવાનું તેમજ તાવ આવતો હોવાથી તેને સારવાર માટે દાખલ કરાયા બાદ તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. છતા પોલીસે યુવકના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

પાંડેસરા પ્રેમનગર ભેદવાડ ખાતે રહેતો શ્યામ નામદેવ કાલકર(35) એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતો હતો. વર્ષો અગાઉ લગ્નના 2 દિવસ બાદ જ તેના છુટાછેડા થઈ ગયા હતા. તેમજ તેની માતાનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું. એક ભાઈ તેની પત્ની સહિતના પરિવાર સાથે અલગ રહેતો હોવાથી શ્યામ અને તેના પિતા અલગ રહેતા હતા.

છેલ્લા કેટલાક દિવસથી તેની તબિયત ખરાબ થઈ હતી અને શુક્રવારે તેને તાવ વધુ જણાતા સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં શનિવારે મળસ્કે તેનું મોત નિપજ્યું હતું. શ્યામનું મોત નિપજ્યા બાદ તેનું મોત લઠ્ઠાના કારણે થયું હોવાનો મેસેજ ફરતો થયો હતો. જેને પગલે પાંડેસરા પોલીસ તેમજ ક્રાઈમબ્રાંચ દોડતી થઈ ગઈ હતી. પોલીસે મૃતક શ્યામના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...