તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The Death Of Her Husband, As There Was No Money To Take Her Home, The Wife Sat By The Dead Body For 17 Hours And Cried For Help In Surat

હૃદયદ્રાવક કિસ્સો:સુરતમાં પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની

સુરત12 દિવસ પહેલા
પતિના મોતથી નિરાધાર બનેલો પરિવાર અને મૃતકની ફાઈલ તસવીર.
  • પતિના મોત બાદ મૃતદેહ વતન લઈ જવાના રૂપિયા ક્યાંથી લાવું: મૃતકની પત્ની

સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઉન પાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હતી. પત્ની પતિના મૃતદેહને આજે સવારે સિવિલ લઈ આવતાં તબીબો પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા. જોકે મૃત્યુનું કોઈ કારણ ન હોવાથી તબીબોએ પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે.

પતિ ગત રોજ બપોરે દારૂ પીધા બાદ ભોજન કરી સૂઈ ગયો હતો
મનીષા ઠાકોર(મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્ની)એ જણાવ્યું હતું કે તેઓ ઉન પાટિયાના મહેબૂબનગરમાં રહે છે. 13 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનની માતા છે. મૂળ ઝાંસીના રહેવાસી છે. રણજિત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો આદી હતો. ગઈકાલે (મંગળવારે) દારૂ પીધા બાદ બપોરના ભોજન લઈ સૂઈ ગયો હતો.

પત્ની અને પુત્ર સિવિલ હોસ્પિટલમાં મદદની રાહ જોઈ રહ્યાં છે.
પત્ની અને પુત્ર સિવિલ હોસ્પિટલમાં મદદની રાહ જોઈ રહ્યાં છે.

પત્ની આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી
તેણે વધુમાં જણાવ્યું હતું કે એક કલાક બાદ તેના મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કર્યા બાદ પણ તે જાગ્યો ન હતો, જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવતાં મૃત્યુ પામ્યો હોવાની ખબર પડી હતી. આ બાબતે તાત્કાલિક વતન સગાં-સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. જોકે બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી, જેને લઈ મોડી સાંજ થઈ જતાં આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી.

પતિના મોત બાદ લાચાર પત્ની.
પતિના મોત બાદ લાચાર પત્ની.

આર્થિક રીતે લાચાર છું: મૃતકની પત્ની
તેણે વધુમાં જણાવ્યું હતું કે સવાર પડતાં જ પડોશીઓએ 108ને જાણ કરતાં રણજિતને 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે એમ કહી પોલીસને જાણ કરી છે. સાહેબ ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છું, મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું, હવે તેમની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાંથી લાવું.

કરંટ લાગવાથી મોત થયું
સિવિલ હોસ્પિટલમાં પીએમ કરનાર ડો. ચંદ્રેશ ટેલરએ જણાવ્યું હતું કે, મોત શંકાસ્પદ લાગતું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં મૃત્યુ હાથમાં કરંટ લાગવાથી થયું હોવાનું સામે આવ્યું છે.

સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી
મહિલાની લાચારીની જાણ થતાં અમિત નામના સામાજિક કાર્યકરે મહિલાને પાંચ હજાર રૂપિયાની સહાય કરી હતી. સાથે જ શહેરની અન્ય સંસ્થાઓ અને વડોદરા સહિતના અન્ય શહેરના સેવાભાવિ લોકો આગળ આવ્યાં હતાં. જો કે, મહિલાએ પતિના મૃતદેહને વતન લઈ જવાની જગ્યાએ સુરતમાં જ અંતિમ સંસ્કાર કરાવ્યાં હતાં. રાજ્યભરમાંથી સહાય માટે તત્પરતા દર્શાવનારનો આભાર માનીને મૃતકની પત્નીએ સહાય લેવાની ના પાડી અને જરૂરીયાત મુજબની સહાય મળી ગયાનું કહ્યું હતું.