પલસાણા તાલુકાનાં વણેસા ગામે ખેતરમાં કામ કરી રહેલ આધેડ મીંઢોળા નદીના પાણીમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોચી નદીના પાણીમાંથી આધેડને બહાર કાઢ્યો હતો. જોકે પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું.
પલસાણા તાલુકાનાં પિસાદ ગામે 54 ગાળા ફળિયામાં રહેતા સુરેશભાઈ રતનભાઈ રાઠોડ (ઉ.વ.58) કે જે ખેત મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જે ગુરુવારે સવારે વણેસા ગામે રહેતા દીપેશભાઈ રમણભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ અર્થે ગયા હતા અને તેઓ ખેતરમાં મજૂરી કામ કરી રહયા હતા.
તે સમયે ખેતરમાં લગાવેલી મોટરમાં પાણી ઓછું આવતું હોય મોટરમાં કચરો આવી ગયેલાનું જણાતા સુરેશભાઇ ખેતરની બાજુમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉતર્યા હતા અને મોટરમાં કચરો સાફ કરી રહયા હતા. તે સમયે તેઓ પાણીમાં ડૂબી ગયા હતા.
ઘટના અંગે ખેડૂતના પુત્રએ બારડોલી ફાયર વિભાગને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચી મીંઢોળા નદીમાં શોધખોળ કરતાં સુરેશભાઇનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. સુરેશભાઇનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.