સચિન GIDCમાં કોઈક યુવક સાથે પ્રેમસંબંધમાં ગર્ભવતી થયેલી 16 વર્ષની એક તરૂણીનું ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા બાદ મોત નિપજતાં શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તરૂણીનો ગર્ભપાત કરાવનારા તેના બહેન-બનેવી, ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે પણ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સચિન જીઆઈડીસીમાં રહેતી 16 વર્ષીય સાનિયા (નામ બદલ્યું છે)બહેન-બનેવીને ત્યાં રહેતી હતી. દરમ્યાન ઘરે બાળકો સાથે એકલી રહેતી સાનિયાને કોઈક યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. બે મહિના પહેલાં સાનિયા ગર્ભવતી થઈ હતી. બે મહિનાથી માસીક ન આવતા સાનિયાએ પહેલા મેડીકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લીધી હતી. જોકે છતા ગર્ભપાત ન થતા તેણે પોતાની બહેનને વાત કરતાં બહેન ઘર નજીકના ક્લિનીકમાંથી દવા લઈ આવી હતી. જોકે તેમ છતા ગર્ભપાત ન થતા ડોક્ટરે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ડો. હિરેન પટેલને ત્યાં મોકલ્યા હતા.
ડો. હિરેને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી. ઘરે પહોંચ્યા બાદ સાનિયા ચક્કર આવી ઢળી પડતાં તેને સંજીવની હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કરી મૃતદેહ ઘરે લઈ જવા કહ્યું હતું. જો કે, સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટ જરૂરી હોવાથી તરૂણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી.
પોલીસની પૂછપરછમાં સમગ્ર મામલો બાહર આવ્યો હતો. પોલીસે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ડો.હિરેન પટેલ, ગર્ભપાત માટે લઈ જનારા બહેન અને બનેવી તેમજ પ્રેમજાળમાં ફસાવી તરૂણીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા યુવક સહિતનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ-ત્રણ તબીબોની ગુનાહિત બેદરકારી
આ કેસમાં ત્રણ તબીબોએ બેદરકારી દાખવી છે. સૌપ્રથમ ઘર નજીકના તબીબ પાસે તરૂણીની બહેન ગર્ભપાતની દવા લેવા માટે ગઈ ત્યારે તે તબીબે પોલીસને જાણ કરવી જોઈતી હતી. ઉધનાના ડો. હિરેને પણ પોલીસને જાણ કરવાની જગ્યાએ પોતે ગર્ભપાત કરાવ્યો. બેભાન તરૂણીને મૃત હાલતમાં સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ નિયમ મુજબ પોલીસને જાણ કરાઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.