કોરોનાથી 10 હજારનાં મોત:ગુજરાતમાં બીજી લહેર યુવાનોને ભરખી ગઈ, 58.6 ટકા મોત 15થી 59 ઉંમરના લોકોના થયા, એક જ મહિનામાં 4000 યમસદને પહોંચી ગયા

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • ગુજરાતમાં માત્ર ત્રણ મહિનાથી વધુ સમયગાળામાં જ 5593 દર્દીનાં મોત થયાં
  • ગુજરાતમાં 18 એપ્રિલથી 14 મે સુધી દરરોજ 100થી વધુ દર્દીનાં મોત થયાં

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જ એટલી ઘાતક હતી કે હવે લોકો ત્રીજી લહેર આવવાની શક્યતાને પગલે ફફડી રહ્યા છે. બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાનાં સ્વજન ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોનાનાં મોતનો આંક 10003 પર પહોંચી ગયો છે. માત્ર છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયમાં જ 5500થી વધુ લોકોનાં મોત કોરોનાને કારણે થઈ ચૂક્યા છે, જોકે આ પણ સરકારી આંકડો છે. બીજી લહેરમાં યુવાનો માટે વધુ ઘાતક રહી છે. જેમાં 58.6 ટકા મોત 15થી 59 ઉંમરના લોકોના થયા છે. જ્યારે 41.3 ટકા મોત 60થી ઉંમરના લોકોના થયા છે.

કોરોનાના તાંડવના છેલ્લા ત્રણ મહિનામાં સરકારી હોસ્પિટલોમાંથી નીકળતા મૃતદેહોના તો કોઈ આંકડા જ નથી. એક સમયે તો એવી સ્થિતિ હતી કે સરકારી હોસ્પિટલોમાં પોતાના સ્વજનોના મૃતદેહ લેવા માટે અને ત્યાર બાદ તેની અંતિમવિધિ કરવા માટે પણ લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હતું.

કેસ અને મોતના આંકડા છુપાવ્યા
ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ 19 માર્ચ 2020માં નોંધાયો હતો અને પહેલું મોત 22 માર્ચના રોજ નોંધાયું હતું. માર્ચ મહિના બાદ જૂનમાં કોરોનાના કેસ અને મોતમાં વધારો થયો હતો. ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ અને મોતના આંકડાઓ છુપાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ 2021માં માર્ચથી આવેલી બીજી લહેરમાં પણ કેસ અને મોતમાં ધરખમ વધારો થયો હતો. એક દિવસમાં જે મોતના સત્તાવાર આંકડાઓ આપવામાં આવતા હતા તેનાથી હકીકત કંઈક અલગ જ હતી. સરકારી હોસ્પિટલોમાંથી લાશો પરિવારજનોને સોંપવામાં આવી હતી. જોકે, મોત માટે કારણ કોરોના આપવામાં આવતું ન હતું.

સ્મશાનોમાં મૃતદેહનો ખડકલો
માર્ચ-2021ની શરૂઆતથી કોરોનાની બીજી લહેરમાં કેસ અને મોતમાં વધારો થવા લાગ્યો હતો. 18 એપ્રિલ બાદ રોજ 100થી વધુ દર્દીઓના મોત સત્તાવાર રીતે થતા હતા. જ્યારે 29 એપ્રિલના રોજ ગુજરાતમાં સૌથી વધુ 180 દર્દીના એક જ દિવસમાં મોત થયા હતા. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરનો સ્મશાનોમાં મૃતદેહનો ખડકલો થઈ ગયો હતો. સરકારી હોસ્પિટલોમાંથી કોરોના પ્રોટોકોલ પ્રમાણે મોટી સંખ્યામાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવા હતા.

શહેરોની સાથે ગામડાઓમાં પણ મોતમાં વધારો
બીજી લહેર એટલી ઘાતક હતી કે શહેરની સાથે ગામડાઓમાં પણ કેસની સાથે મોતમાં વધારો થયો હતો. મધ્ય, દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોનાથી મોત એટલી હદે વધી ગયા હતા કે, લોકો ઘર છોડીને ખેતરોમાં રહેવા ચાલી ગયા હતા. કોરોનાના કારણે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ભયાવહ દૃશ્યો જોવા મળ્યા હતા.

સ્મશાનોની ચીમનીઓ પીગળી, નવા સ્મશાનો શરૂ કરવા પડ્યા
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે મોતનો તાંડવ કર્યો હતો. એપ્રિલ અને મે મહિનામાં રોજ અનેક લોકોના મોત થયા હતા. જેના કારણે સ્મશાનો 24 કલાક ચાલુ રાખવાની ફરજ પડી હતી. રાજકોટ, વડોદરા અને સુરત શહેરના સ્મશાનોમાં સતત અગ્નિદાહના કારણે સ્મશાનોની ચીમની ગરમીથી પીગળી ગઈ હતી. જ્યારે સ્મશાનોમાં મૃતદેહોનો ખડકલો થવા લાગતા નવા સ્મશાનો પણ શરૂ કરવાની ફરજ પડી હતી. જ્યાં પણ એક સાથે 10થી 15 મૃતદેહોને એકસાથે અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર માટેની લાઈનમાં જ મોત
બીજી લહેર એટલી ઘાતક હતી કે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. ક્યાંક બેડ હતા તો ઓક્સિજન ન હતો. હોસ્પિટલોની બહાર 108 એમ્બ્યુલન્સની લાઈનો પણ લાગી હતી. જ્યારે શહેરોની સરકારી હોસ્પિટલો બહાર દર્દીઓને દાખલ કરવા પણ લાઈનો લગાવવી પડી હતી. જેમાં પણ ઘણા દર્દીઓના મોત થયા હતા અને હેસ્પિટલ કર્મચારીઓ સાથે ઘર્ષણ પણ થયા હતા.

શબવાહિનીઓ ખૂટી પડી
કોરોનાની બીજી લહેર તેની ચરમસીમાએ હતી એટલે કે, 15 એપ્રિલથી 15 મે દરમિયાન હોસ્પિટલમાં ટપોટપ મોત થઈ રહ્યાં હતાં. મોતની સંખ્યા એટલી હતી કે, શબવાહિનીઓની ખૂટી પડી હતી. જેથી કન્ડમ કરાયેલી 108ની એમ્બ્યુલન્સને ફરીથી સેવામાં લેવામાં આવી અને શબવાહિની તરીકે રાજ્યભરમાં તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં લોકોને તેમના સ્વજનો માટે શબવાહિની ન મળતાં ખાનગી વાહનોમાં પણ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવાની ફરજ પડતી હતી.

30 દિવસમાં મોટા ભાગનાએ સ્વજન ગુમાવ્યાં
રાજ્યમાં કોરોનાના એ 30 દિવસ એટલા ભયંકર હતા કે, રાજ્યમાં કોઈ એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળતી હતી કે જેણે પોતાનું સ્વજન ન ગુમાવ્યું હોય. કોઈ પિતાએ ગુમાવ્યા તો કોઈએ માતા તો કોઈએ મિત્ર અને સંબંધોના તાંતણે બંધાયેલા એવા ભાગ્યે જ કોઈ પરિવાર કે વ્યક્તિ હશે જેણે આ બીજી લહેરમાં પોતાનું કહી શકાય તેવું ન ગુમાવ્યું હોય. શહેરી વિસ્તારની સાથે સાથે કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પણ એટલો જ હાહાકાર મચાવ્યો હતો. જેથી સોશિયલ મીડિયા હોય કે માહિતી પ્રચારનું એક પણ એવી જગ્યા નહોતી જ્યાં સ્વજનોના મોતના ફોટો ન જોવા મળે.

અન્ય સમાચારો પણ છે...