ગેરકાયદે બાંધકામો અંગે પાલિકાના અધિકારી-કર્મચારીઓ પર અત્યાર સુધી હૂમલા ઘાકધમકીના બનાવો બન્યાં છે ત્યારે ગુરુવારે બનેલી ઘટનાએ તમામ હદો વટાવી દીધી છે. મુગલસરાઈમાં પોતાની ચેમ્બરમાં બેઠેલા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલાની ચેમ્બરમાં બે ઇસમોએ ઘૂસી જઈ ટેબલ પર 8 ઈંચની કટાર મુકી દીધી હતી અને ‘આપ કે કાર્યપાલક ઇજનેર બી.આર. ભટ્ટ ઔર ડેપ્યુટી ઇજનેર આર.સી. પટેલ કો ઘાવ કર દેંગે, બહુત પરેશાન કરતે હૈ...’, આવી ધમકી આપતાં પાલિકામાં ખળભળાટ મચી ગયો હતો. અધિકારી સાથે મુલાકાતના બહાને આ રીતે ઘૂસી જવા છતાં પાલિકાની સિક્યુરિટીને જાણ સુુદ્ધા ન હતી. આ ઘટનાને પગલે પાલિકાના સિક્યુરીટી ઓફિસરે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ઘટના અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલા, કાર્યપાલક ઇજનેર બી.આર.ભટ્ટ તથા ડેપ્યુટી ઇજનેર આર.સી.પટેલે જણાવ્યું હતું કે, રામપુરાના છડાઓલ મહોલ્લામાં રહેતાં સોએબ, કામીલ સોપારીવાલા, આમીર સોપારીવાલા, ઝહીર મગર, આમીર સોપારીવાલા વચ્ચે જૂની અદાવત છે. જેમાં સોએબે પોતાના મકાનના ચોથા માળ ઉપર કેબિન બનાવી હોય તેનું ડિમોલીશન કરવા બે ભાઈઓ કામીલ અને આમીરે સમયાંતરે ફરિયાદ કરી હતી. પાલિકાએ બે વખત આ ગેરકાયદે બાંધકામ દૂર કર્યું હતું. દરમિયાન ગુરુવારે આમીર અને ઝાહીર ગાયત્રી જરીવાલાની ચેમ્બરમાં ઘૂસી ઝાહીરે કટાર ટેબલ પર મુકી આ રીતે ધમકી આપી હતી.
હું મેડમની ચેમ્બરમાં જ હતો ત્યારે બે જણા ઘૂસી આવ્યા ને ટેબલ પર કટાર મૂકી દીધી હતી
ડે.કમિ. મેડમની ચેમ્બરમાં હું હાજર હતો ત્યારે બે જણા ચિઠ્ઠી આપ્યા વગર જ અંદર ઘૂસી ગયા હતાં, જેમાંતી એકે ગેરકાયદે બાંધકામ મામલે મેડમ સાથે વાત શરૂ કરી 8 ઇંચ જેટલી મોટી ચપ્પુ કાઢી ટેબલ પર મુકી ઘમકી આપી હતી. મેડમે તેમ છતાં બંન્ને ને શાંતિથી સાંભળ્યા હતા. > આર.સી.પટેલ, ડેપ્યુટી ઇજનેર, સેન્ટ્રલ ઝોન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.