મોપેડ પર 2 પુત્રી સાથે જઈ રહેલા દંપતીના મોપેડને સહારા દરવાજા નજીક એસટી બસના ડ્રાઈવરે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલી 7 વર્ષીય પુત્રીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્યોને નાની મોટી ઈજા થઈ હતી. મહીધરપુરા પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હતો.
વેડરોડ ભરીમાતા રોડ નહેરૂનગર ખાતે રહેતા સુબહાન મુસા અહેમદ શાહ(32) ટેલરીંગનો વ્યવસાય કરે છે. શુક્રવારે તેઓ તેમની પત્ની આસ્માબાનુ મોટી પુત્રી આશેફા(10) અને તેનાથી નાની પુત્રી હુમેરા(7)ને સાથે લઈ સાળુભાઈને ત્યાં મળવા ગયા હતા.
ત્યાંથી તેઓ ઘરે પરત હતા ત્યારે સહારા દરવાજા પાસે બ્રિજ નીચેથી દિલ્હીગેટ તરફ વળાંક વળતી વખતે પાછળથી પુરપાટ ઝડપે આવતા એસટી બસે મોપેડને ટક્કર મારી હતી. બસના ડ્રાઈવરે બસ અટકાવવાની જગ્યાએ ભગાવતા મોપેડ પર આગળના ભાગે ઉભેલી માસુમ હુમેરા બસના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઘવાઈ હતી.
એસટી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ
સુબહાનભાઈ તેમની પત્ની અને અન્ય પુત્રીને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી હુમેરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે માસુમ હુમેરાને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સુબહાનભાઈએ એસટી બસના ડ્રાઈવર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.