તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોફાઈલ:ફોટોગ્રાફરથી પોતાના કરિયરની શરૂઆત કરનારા સુરતના દર્શના જરદોષને મોદીના નવા મંત્રી મંડળમાં સ્થાન, 3 ટર્મથી છે સાંસદ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન મોદી સાથે દર્શના જરદોષ. - Divya Bhaskar
વડાપ્રધાન મોદી સાથે દર્શના જરદોષ.
 • સંસદની અલગ અલગ સમિતિઓમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે

પરિવારમાંથી કોઈ જે ક્ષેત્રમાં ન હોય તે ક્ષેત્રમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરીને ટકાવી તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. તેમાં પણ રાજકારણ જેવા સતત થતાં આરોપો અને આક્ષેપોની વચ્ચે અણીશુદ્ધ રહેવું એક મહિલા માટે ભારે કપરું ગણાય છે. સુરતના ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષને મોદીના નવા મંત્રીમંડળમાં મિનિસ્ટર બનાવાયા છે. સંભવતઃ એમને ટેક્સટાઈલ ખાતું આપવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ત્યારે ફોટોગ્રાફરથી પોતાના કરિયરની શરૂઆત કરનારા દર્શનાબેન મિનિસ્ટર બનતા જ શહેરના ઉદ્યોગકારોથી લઈને ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ફોટોગ્રાફર પિતાને ત્યાં જન્મ
સુરતમાં 1947ની 15મી ઓગસ્ટને પોતાના ફોટો સ્ટુડિયોની સાલગીરી મનાવતાં કાંતિભાઈ અને અમિતાબહેન નાયક (અનાવીલ બ્રાહ્મણ)ને ત્યાં 21 જાન્યુઆરી 1961ના રોજ દર્શનાબેનનો પહેલા સંતાન તરીકે જન્મ થયો હતો. પરિવારમાં એક નાનો ભાઈ હોવા છતાં કાંતિભાઈએ દર્શનાબેનનો બાળપણથી જ એક દીકરા તરીકે ઉછેર કર્યો હતો.

બાળપણમાં હાથમાં કેમેરો પકડ્યો
દર્શનાબેને જણાવ્યું હતું કે, ફોટોગ્રાફીના સંસ્કારો તો ગળથૂથીમાં મળ્યા હતાં. એટલે નાની ઉંમરથી જ ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી દીધી હતી. જે આજે પણ ચાલુ છે. નાનપણમાં તથા કોલેજ કાળ અને ત્યારપછી પણ તેઓ જાહેર ફંકશન, લગ્ન, પાર્ટી વગેરેમાં એક કોમર્શિયલ ફોટોગ્રાફની જેમ ફોટો પાડવાં જતાં હતાં.

ભાજપમાં સક્રીય થયા તે સમયની દર્શના જરદોષની તસવીર.
ભાજપમાં સક્રીય થયા તે સમયની દર્શના જરદોષની તસવીર.

શાળામાં જીએસ બન્યા
શાળાના દિવસોને યાદ કરતાં દર્શનાબેને જણાવ્યું હતું કે, હું જીવનભારતી શાળામાં ભણી હતી. શાળામાં તે સમયે અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવતી હતી. જેનો લાભ આજે પણ મળે છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વખતે ત્યારે જીએસ બની હતી. અને એ જ વર્ષે શાળામાં બેસ્ટ સ્ટુડન્ટ તરીકેનો એવોર્ડ પણ જીતી આવી હતી. ભણવામાં તેઓ પહેલેથી જ હોશિયાર હતાં. પરંતું 10 પ્લસ ટુ બાદ તેઓએ કોમર્સમાં બેચલર ડીગ્રી હાંસલ કરી હતી.

ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે દર્શના જરદોષ.
ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે દર્શના જરદોષ.

કોલેજના છેલ્લા વર્ષમાં જીવન સાથી મળ્યા
દર્શનાબેન જરદોષ તેના કોલેજના છેલ્લા વર્ષમાં હતાં. અને તેમની ક્લાસમેટના ભાઈ રોજ બસ સ્ટેન્ડ પર આવતાં જેમાં બન્નેની આંખો મળી ગઈ હતી. બાદમાં પરિવારની સંમતિથી લવમેરેજ કર્યા હતાં. લવમેરેજ અંગેના મુક્ત વિચારો ધરાવતાં દર્શનાબેને જણાવ્યું હતું કે, તેમના પિતાએ પણ તેમના સમયમાં માત્ર સવા રૂપિયાનો ખર્ચ કરીને સાદાઈથી લગ્ન કર્યા હતાં. તેમ મારી કોલેજ પુરી થઈ અને મેં વિક્રમ જરદોષ સાથે લગ્ન કર્યા હતાં.

પહેલીવાર સાંસદ બન્યા તે સમયની મોદી સાથેની તસવીર.
પહેલીવાર સાંસદ બન્યા તે સમયની મોદી સાથેની તસવીર.

માતાને થયેલા અન્યાયથી સક્રિય રાજકારણમાં આવ્યાં
રાજકારણના પ્રવેશ અંગે દર્શનાબેને જણાવ્યું હતું કે, મારી માતાને મહિલા બેંકમાં અન્યાય થયો હતો. જેથી તેણીને ન્યાય અપાવવા માટે પોતે, માતા અને માસીએ બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું બાર સભ્યોની પેનલ ન હોવાથી 1200ની સામે 400 મત મળ્યાં હોવા છતાં તેઓ હારી ગયા હતાં. પરંતુ રાજકારણમાં તેમનો અહિંથી પ્રવેશ થયો હતો.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે દર્શના જરદોષ.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે દર્શના જરદોષ.

બેંકની વારંવારની હાર સાથે આગળ વધ્યાં
બેંકની ચૂંટણીમાં તેઓએ ત્રણેકવાર હારનો સામનો કર્યો. પરંતુ દરેક હાર વખતે તેઓ રાજકારણમાં આગળ વધતાં હતાં. જેમકે પહેલીહાર વખતે તેમને કોર્પોરેટર બનવાનું મળ્યું હતું. બીજી હાર વખતે તેઓ મહિલા મોરચાના પ્રમુખ બન્યા એટલે જેમ જેમ હાર થતી ગઈ તેમ તેમ આગળ વધતાં ગયાં. પરંતુ આખરે જ્યારે બેંકમાં જીતી ગયા તો પદ ના ભોગવ્યું કારણ કે માતાના મોતથી વ્યથિત થયેલા દર્શનાબેને પછી બેંકમાં જવાનું મુનાસિબ ન માન્યું અને આખરે બેંક થઈ તો ખાતેદારોને ન્યાય પણ અપાવ્યો હતો.

નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દર્શના જરદોષ.
નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દર્શના જરદોષ.

સૌથી પહેલા બિનહરિફ કોર્પોરેટર બન્યા
દર્શનાબેન જરદોષ 2000ની સાલમાં સક્રિય રાજકારણમાં પ્રવેશી ચૂક્યા હતાં. નરેન્દ્ર ગાંધી, પ્રવિણ નાયક સહિતના લોકો તેમને રાજકારણમાં લાવ્યાં હતાં. અને દર્શનાબેને કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ ભર્યું તો સામેના ઉમેદવાર પાસે ઈલેકશન ફીના રૂપિયા ન હોવાથી ફોર્મ ન ભરાયું કે બીજા કોઈ કારણો નડ્યા પરંતુ રાજ્યમાં સૌ પ્રથમ બિનહરિફ કોર્પોરેટર તરીકે તેઓ જાહેર થયા હતાં.

ચૂંટણીઓમાં જંગી મેદનીને સંબોધતા દર્શનાબેન.
ચૂંટણીઓમાં જંગી મેદનીને સંબોધતા દર્શનાબેન.

નરેન્દ્રભાઈના વિચારથી સાંસદ બન્યા
કોર્પોરેટર બન્યા બાદ મહિલા મોર્ચામાં દર્શનાબેને ખૂબ મહેનત કરી અને તેમાં ફાવટ આવી ગઈ હતી. મહિલાઓને એકઠી કરીને સમજાવવાથી લઈને આગળ વધવા માટે તેઓ સતત પ્રોત્સાહિત કરતાં હતાં. જેથી મહિલા મોરચા બાદ લોકસભામાં 2009 વખતે ભાજપ અને નરેન્દ્રભાઈએ મહિલાઓને મોટા શહેરોમાંથી સાંસદ બનાવવાના વિચારમાં તેમનું સિલેકશ થતાં તેઓ સુરત બેઠક પરથી વિજય થયા હતાં.

દર્શનાબેનનો આખો પરિવાર.
દર્શનાબેનનો આખો પરિવાર.

ત્રીજી ટર્મમાં ઈતિહાસ રચ્યો
પહેલી ટર્મમાં જીતેલા સાંસદ દર્શનાબહેન પર ભાજપે બીજીવાર વિશ્વાસ મુક્યો હતો. અને બીજીવાર લોકસભાની ચૂંટણીમાં તેમણે ઈતિહાસ રચી દીધો હતો. 2014ના ઈલેક્શનમાં તેઓએ દેશમાં સૌથી વધુ 5 લાખ 33 હજાર કરતાં વધુ મતોથી વિજય હાંસલ કર્યો હતો. અને રાજકારણમાં એક મહિલા કેવી રીતે મતદારોને રીજવી શકે તે સાબિત કરી આપ્યું હતું. જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી 5.47 લાખથી વધુની લીડથી વિજય હાંસલ કર્યો હતો.

દર્શનાબેન બંને દીકરા અને પુત્રવધૂઓ સાથે.
દર્શનાબેન બંને દીકરા અને પુત્રવધૂઓ સાથે.

રાજકારણ-પરિવાર સાથે સંભાળવું ખૂબ કપરું
રાજકારણમાં દરેક જગ્યાએ હાજર રહેવાની સાથે સાથે પરિવારમાં પણ યોગ્ય રીતે ધ્યાન આપતાં દર્શનાબેને જણાવ્યું હતું કે, રાજકારણ અને પરિવારમાં સતત તમારે હાજર રહીને યોગ્ય માર્ગદર્શન અને કામ કરવું પડતું હોય છે. બન્ને પરિવાર જેટલા જ મહત્વના સંબંધો ધરાવે છે. માટે પરિવારના પ્રસંગો ઘણી વખતે જતાં કરવા પડે છે. પરંતુ યોગ્ય પ્લાનિંગ કરીને વચ્ચેનો રસ્તો કાઢો તો રાજકારણ અને પરિવાર બન્નેને યોગ્ય રીતે ન્યાય આપી શકાય છે.

પતિ વિક્રમભાઈ સાથે દર્શના જરદોષ.
પતિ વિક્રમભાઈ સાથે દર્શના જરદોષ.

સંતાનમાં દીકરી ન હોવાનો વસવસો
દર્શનાબેન જરદોષને સંતાનોમાં માત્ર બે જ દીકરા છે અને તેમના બન્ને દીકરાઓને પણ સંતાનોમાં દીકરા જ છે. તેથી જીવનના વસવસા અંગે તેમણે જણાવ્યું હતું કે, મારે સંતાનોમાં કે સંતાનોને ત્યાં પણ દીકરી નથી તેની એક ખોટ રહી ગઈ છે. જો કે, દીકરી ન હોય તો શું થયું એમ કહીને પોતાની પેટ બેબો બતાવતાં કહ્યું હતું કે, આ મારી દીકરી જ છે. અમે આ બેબોને પણ પરિવારનું સભ્ય જ ગણીએ છીએ.

સી.આર. પાટીલ સાથે દર્સના જરદોષ.
સી.આર. પાટીલ સાથે દર્સના જરદોષ.

પરિવાર સાથે હોય તે ખુશીનો પ્રસંગ
જીવનના ખુશીના પ્રસંગો અંગે જણાવતા દર્શનાબેને કહ્યું હતું કે, ગત જન્મદિવસ વખતે પરિવારના છ સભ્યો સાથે હતાં. અને બીજા પ્રસંગોમાં પરિવાર સાથે હોય તે નાનીનાની ખુશીઓ છે. રાજકારણમાં લોકોના સારા કામ થાય થતાં લોકસભાની ચૂંટણી જીતી તે પણ યાદગાર ક્ષણો કહી શકાય. આ સિવાય દરેક પળને આપણે સારી રીતે જીવીએ તે યાદગાર ક્ષણો જ છે આવતા સમય માટે.

કેરિયર સારાંશ

 • 2019 સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી) ના સભ્ય તરીકે નિમાયા.
 • 2019 લોકસભાની ચૂંટણીઓ, જીત્યા. 74.5 % અને વોટ 5458250
 • 2019 સંસદસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા, સુરત મત વિસ્તાર, 17મી લોકસભા.
 • 2016 જયપુરમાં બ્રિક્સ મહિલા સંસદસભ્યો મંચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
 • 2016 સભ્ય, ન્યુઝીલેન્ડની સંસદમાં માનનીય સ્પીકર સાથેનું પ્રતિનિધિ મંડળ.
 • 2015 સભ્ય, ભાજપ મહિલા પ્રતિનિધિ મંડળ, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ બેઇજિંગમાં.
 • 2014 રેકોર્ડ મતોથી લોકસભાની ચૂંટણી જીત્યા. મતો થી 75.79% અને 533190
 • 2013 ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી.
 • 2010 મહામંત્રી, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચા.
 • 2005 સંસદસભ્ય, સુરત મત વિસ્તાર, 15 મી લોકસભા.
 • 2006 જનરલ સેક્રેટરી, ભાજપ મહિલા મોરચા, ગુજરાત સુધી 2008.
 • 2005 પ્રમુખ, ભાજપ મહિલા મોરચા, સુરત.
 • 2004 વાઇસ ચેરમેન, આરોગ્ય સમિતિ, સુરત મ્યુનિસિપલ કોર્પ.
 • 2003 મેનેજિંગ ડિરેક્ટર, સુરત મહિલા નાગરિક સહકારી બેંક.
 • 2002 અધ્યક્ષ, સાંસ્કૃતિક સમિતિ, સુરત મહાનગરપાલિકા.
 • 2001 સભ્ય, ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડ, ગાંધીનગર.
 • 2000 સભ્ય, ભાજપ મહિલા મોરચા, ગુજરાત પ્રદેશ.
 • 2000 કોર્પોરેટર, વોર્ડ 8, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન.
 • 1999 પ્રમુખ, ભાજપ મહિલા મોરચો, સુરત.

સભ્ય જાહેર હિસાબ સમિતિ (પીએસી) ભારતની સંસદ

 • સભ્ય, નાણા અંગેની સંસદીય સ્થાયી સમિતિ
 • સભ્ય, સંસદીય વ્યવસાય સલાહકાર સમિતિ
 • સભ્ય, વિદેશી બાબતોની સંસદીય સલાહકાર સમિતિ
 • સભ્ય, ઉદ્યોગ અંગેની સંસદીય સ્થાયી સમિતિ (2014-2019)
 • સભ્ય, મહિલા સશક્તિકરણ પરની સંસદીય સમિતિ (2014-2019)
 • સભ્ય, માહિતી તકનીક પર સંસદીય સલાહકાર સમિતિ (2014-2019)