લગ્ન પ્રસંગમાં ભાગદોડ:સુરતના માંગરોળમાં મિત્રના લગ્નમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનને ચપ્પુના ઘા મારી પાંસળીઓ બહાર કાઢી નાખી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત થનાર યુવકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત થનાર યુવકની ફાઈલ તસવીર.
  • જીવલેણ હુમલા બાદ લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ

સુરત જિલ્લાના માગરોળના આંબા તલાવડી ગામે મિત્રના લગ્નમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં 22 વર્ષના યુવાનને ચપ્પુના ઘા મારી પાંસળીઓ બહાર કાઢી નખાય હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીવલેણ હુમલા બાદ લગ્ન પ્રસંગમાં ભાગદોડ મચી જતા અફરાતફરીનો મહોલ જોવા મળ્યો હતો. સોમવારની મધરાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવક નહેલ ચૌધરીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. હાલ યુવકની હાલત સાધારણ હોવાની પરિવાર જણાવી રહ્યું છે.

સામાન્ય ઝઘડામાં ચપ્પુના ઘા માર્યા
અશોકભાઈ ચૌધરી (ઈજાગ્રસ્તના પિતા) એ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં પણ હવે બાળકો સુરક્ષિત ન હોવાનું ઉદાહરણ કહી શકાય છે. ઝઘડો સામાન્ય જ હતો, નાચવા બાબતે થયેલી બોલાચાલીમાં કોઈ ચપ્પુ કાઢીને આટલા ઘા મારી દે, મારો દીકરો તો મોત સામે લડ્યો પણ આવું કોઈ બીજા પરિવાર સાથે ન થાય એની ભગવાનને પ્રાર્થના કરીશ.

પરિવારને ફોન કરતા જાણ થઈ
વધુમાં જણાવ્યું હતું કે બે દીકરાઓમાં નહેલ (ઉ.વ. 22) મોટો પુત્ર છે બિરલા કંપનીમાં કામ કરે છે ઘરનો આર્થિક સહારો છે. ફળિયામાં જ લગ્ન હતા. હવે મિત્ર હોય તો લગ્નમાં તો મોકલવો જ પડે, બધા જ મસ્તીખોર મિત્રો હોય અને લગ્ન પ્રસંગમાં જ બાળકો નાચવા કૂદવાની મજા લેતા હોય છે. પરંતુ આવું કેવી રીતે થયું એની જરાય ખબર નથી. બસ એક ફોન આવ્યો ને ખબર પડી નહેલને કોઈએ ચપ્પુ મારી દીધું એટલે હોંશ ઉડી ગયા હતા.

વહેલી સવાર સુધી ઓપરેશન ચાલ્યું
વધુમાં જણાવ્યું હતું કે દોડીને ઘટના સ્થળે પહોંચ્યા તો નહેલ લોહીના ખાબોચિયામાં પડેલો હતો. 108ને જાણ કરી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરી દેવાયો હતો. સિવિલમાં ડોક્ટરોએ કેસની ગંભીરતા જોઈ તાત્કાલિક ઓપરેશનમાં લીધો હતો. વહેલી સવાર સુધી ઓપરેશન ચાલ્યું હતું. હાલ નહેલની તબિયત સાધારણ હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.