કોરોના કાળમાં ઠપ થયેલા હોટલ-રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. 18 ફેબ્રુઆરીથી સરકારે રાત્રિ કર્ફ્યુ હટાવી હોટલ-રેસ્ટોરન્ટને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે. શહેરમાં 300થી વધુ મોટી અને 1000થી વધુ નાની રેસ્ટોરન્ટ છે. ઉપરાંત 5000 મોબાઇલ ફૂડ કોર્ટ તથા ખાણીપીણીની લારીઓ છે.
પ્રતિબંધો હટાવાતા આ તમામના ધંધામાં 25 ટકાનો ગ્રોથ થયો છે. શહેરની તમામ રેસ્ટોરન્ટો મળી કોરોનામાં રોજનો 3 કરોડનો વેપાર થતો હતો. જે હવે સોમથી શુક્રવારમાં 3.75 કરોડ જેટલો થઈ રહ્યો છે, જ્યારે શનિ-રવિમાં બિઝનેસ 7 કરોડની આસપાસ થઈ રહ્યો છે. કોરોના કાળ પહેલાં સોમથી શુક્રમાં 3થી 4 કરોડ આસપાસ જ્યારે શનિ-રવિમાં 6 કરોડ આસપાસ વેપાર થતો હતો.
ગરમીની અસર: આઈસ્ક્રીમ-જ્યુસની 10 હજાર દુકાનોમાં 30% ગ્રોથ
કરિયાણાના ધંધાને આડકતરો લાભ ,પ્રમોદ ભગત, કેટના પ્રમુખ
‘સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ સંદતર હટાવી લેવામાં આવ્યા છે. જેને લઈને માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે. હાલ સૌથી મોટી રાહત હોટલ, રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીને થઈ રહી છે. આ સાથે જ તેની ડાયરેક્ટ અસર કરિયાણા અને શાકભાજીમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને કરીયાણા સહીતની શોપમાં 20 ટકા જેટલો ગ્રોથ જોવા મળે એવી ગણતરી છે.
આગામી દિવસોમાં બિઝનેસ વધશે ,સનત રેલિયા , હોટલ એસો. માજી પ્રમુખ
‘સરકાર દ્વારા હાલ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. જેને લઈને શહેરના હોટલ અને રસ્ટોરન્ટમાં લોકોની ખાસ્સી ભીડ જોવા મળી રહી છે. કોરોના પહેલાં જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ હવે ફરી આવી ગઈ છે. કોરોના કાળ કરતાં હાલ હોટલ-રેસ્ટોરન્ટના બિઝનેસમાં 25 ટકા ગ્રોથ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ બિઝનેસમાં હજુ પણ વધારો થશે.
કોરોનાકાળમાં મોટો ફટકો હતો ,નિલેશ મકવાણા આઈસ્ક્રીમ શોપધારક
આઈસ્ક્રીમ, લસ્સી, ફાલૂદા અને કોકો જેવી વસ્તુઓ ખાવા માટે લોકો મોટાભાગે રાત્રે જ આવતા હોય છે. જેને કારણે કોરોના કાળ દરમિયાન આ ક્ષેત્રમાં ધંધામાં મોટો ફટકો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા ત્રણેક સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લગતા પ્રતિબંધો, ખાસ કરીને રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવતા આ ઈન્ડસ્ટ્રીમાં 30 ટકા જેવો ગ્રોથ જોવા મળી રહ્યો છે.
રોજના 50ની જગ્યાએ 75 ગ્રાહક ,નિકુંજ શાહ મોલ મેનેજર, પિપલોદ
મોલમાં હવે ધીમે ધીમે લોકોએ ખરીદીનો દોર શરૂ કર્યો છે. પહેલાં રોજ સરેરાશ 100 લોકો આવતા તેમાંથી 50 લોકો ખરીદી કરતાં હતા. હવે 150 લોકો આવે છે તેમાંથી 75 લોકો ખરીદી કરી રહ્યા છે. એટલે વેચાણમાં પણ વધારો થયો છે. હવે કોરોના પહેલા જેવી સ્થિતિ હતી તેવી શરૂ થઈ ગઈ છે. રજાઓમાં તથા વેકેશનમાં બિઝનેસમાં હજુ વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.