તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીમાં રુકાવટ:પુણામાં ટ્રાફિક ક્રેન પર ટો કરેલી બાઇક છોડાવવા કટરથી હુમલો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોમ્પલેક્સ બહાર ‘નો પાર્કિંગ’ માંથી ક્રેને બાઇક ઉંચકી હતી
  • બાઇક ચાલક સામે સરકારી ફરજમાં રુકાવટનો ગુનો દાખલ

પુણામાં પરવત પાટિયા પાસે ‘નો પાર્કિંગમાં’ પાર્ક કરેલી બાઇકને ટ્રાફિક પોલીસે ક્રેન પર ટો કરતા બાઇક માલિકે પોલીસ સાથે ઝઘડો કરીને ક્રેનના મજૂરને કટર મારીને ઇજા પહોંચાડતા ચાલક સામે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પુણા પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતા જમાદાર શંકરભાઈ ભુરીયાભાઈ મંગળવારે પરવત પાટિયા વિસ્તારમાં ટ્રાફિક ક્રેન ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા.દરમિયાન બપોરે તેઓ ક્રેન સાથે પરવત પાટિયા પર ગોપાલ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા હતા.

ત્યાં એક બાઇક ‘નો પાર્કિંગ’માં હતી. તે બાઇક રાહદારી અને વાહનવ્યવહાર માટે અડચણરૂપ જણાતા જમાદાર શંકરભાઈ મજૂરોને તે બાઇક ટો કરવા સૂચના આપી હતી. મજૂરોએ બાઇક ટો કરી ત્યારે ગોપાલ ચેમ્બર્સમાંથી એક યુવક દોડતો-દોડતો આવ્યો હતો અને તેણે બાઇક નીચે ઉતારવાની કોશિશ કરી હતી. મજૂરોએ તેને રોકતા તે મજૂરો પર ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલા કટરથી ક્રેઇનમાં બંધાયેલી બાઇકના દોરડાને કાપવા લાગ્યો હતો. મજૂર જીતેન્દ્રે તેને રોકવાની કોશિશ કરતા તેણે જીતેન્દ્રના હાથ પર કટર મારી દીધું હતું.

જેના કારણ જીતેન્દ્રને ઇજા થઈ હતી. તે સમયે ઘટનાસ્થળે હાજર અન્ય એક ઇસમે બૂમાબૂમ કરીને લોકોને ભેગા કરી ઉશ્કેરવાની કોશિશ કરી હતી. દરમિયાન યુવક બાઇક ઉતારીને ભાગવાની કોશિશ કરતો હતો પરંતુ તેને પકડી લેવાયો હતો. યુવકનું નામ બિપીન મનુભાઈ જાલંધરા (રહે. પ્રિયંકા ઇન્ટરસિટી, પુણા પોલીસ સ્ટેશન પાસે) છે. આ ઘટના અંગે જમાદાર શંકરભાઈએ બિપીન વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બિપિનભાઇની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...