ભરત સૂર્યવંશી
પેચ લડાવી પતંગ કાપવાની લ્હાય ઘણા લોકોની જીંદગીને પણ કાપી નાંખે છે. પતંગરસિયાઓ ચાઈનીઝ માંજો કે કાચના ધારદાર માંજાનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આવા ઘાતકી માંજા રસ્તા પર પસાર થતા ચાલકોના જીવ દાવ પર લગાવી દે છે. મહિનાથી અનેક ઈજા પામ્યા છે. ત્રણ વ્યક્તિના તો જીવ ગયા છે.
પાંડેસરાના 20 વર્ષીય યુવકનું 25 દિવસ પહેલાં પત્ની-પુત્રી સાથે બાઈક પર જતી વખતે પતંગની દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. જેમાં 28 ટાંકા લેવા પડ્યા હતા. લિંબાયતમાં માતાને લેવા માટે બાઈક પર જતા વિદ્યાર્થીનું ગળુ કપાયું હતું. તેને પણ ગળાના ભાગે 8 ટાંકા લેવા પડ્યા હતા. વેડ રોડમાં એક આધેડનું ગળુ કપાઈ ગયું હતું. તેમને પણ 10થી વધુ ટાંકા લીધા હતા. બે દિવસ પહેલાં પુત્ર સાથે પસાર થતી મહિલાના પગમાં ઈજા થતાં 10 ટાંકા લેવા પડ્યા હતા.
હજુ 2 મહિના કામ નહીં કરી શકું
પત્ની-પુત્રીને લઈ બાઈક પર જતો હતો ત્યારે પિયુષ પોઈન્ટ બ્રિજ પર અચાનક પતંગની દોરી લાગતાં મારૂ ગળુ કપાઈ ગયું. 30 સેકન્ડ માટે શ્વાસ અટકી ગયો. જોરથી શ્વાસ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાલુ થયો. નસ કપાઈ ગઈ હોવાથી ૩ કલાક સુધી સર્જરી ચાલી. દોઢ ઈંચ ઉંડો ઘા હોવાથી 28 ટાંકા લેવા પડ્યા. હું ફર્નિચર બનાઉં છું. 25 દિવસથી ઘરે છુ. હજી 2 મહિના સુધી કામ કરી શકું એમ નથી. સાદા માંજાથી પતંગ ચગાવો. > બબલુકુમાર વિશ્વકર્મા, પાંડેસરા
પગમાં 10 ટાંકા, હાડકું દેખાતું હતું
પૌત્રી સ્મીમેરમાં દાખલ હોવાથી હું પુત્ર સાથે બાઈક પર જતી હતી. લાલ દરવાજા પાસે બ્રિજ પર પગમાં કરંટ જેવો લાગ્યો, જોયું તો દોરી ફસાઈ ગઈ હતી. બે ઉંડા ઘા થતાં લોહી નીકળવા માંડયું હતું. અમે સ્મીમેર પહોંચ્યા. બન્ને ઘા પર 5-5 ટાંકા લેવા પડ્યા. હાલ ચાલવામાં તકલીફ છે. સારું છે કે, દોરી ગળામાં ન વાગી. મારો જીવ બચી ગયો. માંજા વડે જીવ જોખમમાં ન મુકો સાદા માંજાનો ઉપયોગ કરો. > પાર્વતીબેન સોનાલ, અમરોલી
દોરો કેટલો ઘાતકી છે તે હવે જાણ્યું
ગેસનો ચુલો રીપેર કરવાનો હોવાથી માતાને બાઈક પર લઈ ગયો હતો. પાઈપ ભુલી જતાં હું એકલો ઘરે પરત થતો હતો ત્યારે અચાનક પતંગની દોરી વચ્ચે આવી અને મારૂ ગળુ કપાઈ ગયું. એક અંકલે મારા પિતાને જાણ કરી ત્યાર બાદ મને હોસ્પિટલ લઈ ગયા. ગળાના ભાગે 8 ટાંકા આવ્યા. ધારદાર માંજો કોઈની જીંદગી બગાડી શકે તેનો ખ્યાલ પહેલી વખત આવ્યો. ક્યારેય ચાઈનીઝ કે કાચવાળા માંજાનો ઉપયોગ નહી કરૂ. > ચેતન કલાલ, લિંબાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.