સુરત ઇકોનોમિક ઝોનમાંથી 22 વર્ષીય મીત કાછડિયા દ્વારા આચરવામાં આવેલા રૂપિયા 204 કરોડના ડાયમંડ હવાલા કાંડમાં તપાસની દિશા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. આરોપી દ્વારા અગાઉ એક્સપોર્ટ કરવામાં આવેલા 30 કન્સાઇન્મેન્ટ કોના હતા તે જાણવામાં હજી સુધી કસ્ટમ વિભાગ સફળ રહ્યું નથી. આથી જ મીત કાછડિયાના બીજીવારના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી ત્યારે અધિકારીઓ તપાસની દિશા મામલે યોગ્ય રજૂઆત કરી શક્યા નહતા.
મીત કાછડિયા પાછળના મુખ્ય ભેજાબાજ-કૌભાંડીને પકડવામાં અધિકારીઓ હજી અંધારામાં તીર ચલાવી રહ્યા છે. દરમિયાન તપાસ ફરી ડીઆરઆઇ પાસે આવે એવી શક્યતા પણ દેખાઈ રહી છે. સેઝમાં યુનિવર્સલ જેમ્સ ઉપરાંતની યુનિટ શરૂ કરીને મીત કાછડિયાએ લેબમાં તૈયાર કરાયેલાં ડામંયડ ઇમ્પોર્ટ કરી તેને પ્રોસેસ કર્યા બાદ ફરી એક્સપોર્ટ કરવાનું કામ શરૂ કર્યું હતુ.
અલબત્ત, મીતની સમગ્ર કાર્યપ્રણાલી પર શંકા જતા ડીઆરઆઇની ટીમે સકંજો ગોઠવ્યો હતો અને ઠોસ બાતમી મળ્યા બાદ આરોપીની યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા વખતે અનેક પાર્સલ હોવાની વાત સામે આવી હતી પરંતુ પાછળથી જાહેર કરાયું હતુ કે, 30 કન્સાઇન્મેન્ટ એક્સપોર્ટ કરી દેવાયા છે અને બે કન્સાઇન્મેન્ટનું વેલ્યુએશન કરાયું હતુ જેની કિંમત રૂપિયા 204 કરોડ હોવાનું સપાટી પર આવ્યું હતું. એક શંકા એ પણ વ્યક્ત કરાઈ હતી કે જો અગાઉ એક્સપોર્ટ કરાયેલા ડાયમંડમાં જો બધા જ લેબ ડાયમંડની જગ્યાએ નેચરલ ડાયમંડ હશે તો તેની કિંમત ત્રણ હજાર કરોડ સુધી જઇ શકે છે.
જામીન અરજીનો યોગ્ય વિરોધ કરવાની તૈયારી
મીત કાછડિયા દ્વારા જો જામીન અરજી રજૂ કરવામાં આવે તો તેની સામે યોગ્ય એફિડેવિટ તૈયાર કરવાની કામગીરી કસ્ટમ વિભાગે આરંભી દીધી છે. અધિકારીઓએ સોગંદનામામાં કેસની ગંભીરતા અને પડદા પાછળની સ્થિતિ પણ રજૂ કરવી પડશે. જેથી કેસ મજબૂતાઈથી કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ બાદથી જ પડદાં પાછળના ખેલાડીઓને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
પડદાં પાછળ કોનો હાથ
કહેવાય છે કે લેબના ડાયમંડની જગ્યાએ બજારમાંથી જ ઓરિજિનલ ડાયમંડ સેઝમાંથી એક્સપોર્ટ કરી દેવાનો ધંધો જ આરોપીએ શરૂ કરી દીધો હતો. મિસ ડિક્લેરેશન મારફત ડાયમંડ વિદેશ મોકલી આપવામાં આવતા હતા. જેથી મોકલનારની ડ્યૂટી બચી જાય. નોંધનીય છે કે સેઝમાં ડ્યૂટીની રાહત મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.